નેશનલ હાઈવે પર અકસ્માતથી પરિવારમાં શોકનું મોજું
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. એક બોલેરો પીકઅપ અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે.
- Advertisement -
આ ઘટનામાં બાઇક ચાલક ખીમાભાઈ કવાડ (ઉ.વ. 65) નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવક, પિયુષ કવાડ (ઉ.વ. 23) ને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું.
આ અકસ્માતની જાણ થતા ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. પલાસ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક વૃદ્ધના મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતને કારણે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.