બોલેરો પલટી ખાઈ જતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ડ્રાઇવરનું મોત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકાના પાટીયા પાસે બોલેરો ઉંધી વળતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ડ્રાઇવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે બંને ભાવનગર વિઝિટ પૂર્ણ કરી મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે મહીકા પાસે અચાનક ડ્રાયવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર મહિકાના પુલ નજીક વિઠ્ઠલવાવ નજીક બોલેરો ગાડી નં. જીજે18જીબી-3409 રોડ પરથી ખાડામાં ખાબકતાં અંદર બેઠેલા પૈકીના બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત બે લોકોને બહાર કાઢ્યા હતાં જો કે 108ના તબિબે બંનેને મૃત જાહેર કર્યા હતાં બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકોની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જે ગાડીનો અકસ્માત સર્જાયો તે ગાડી માર્ગ અને મકાન વિભાગની બોલેરો હોવાનું અને મૃતકોમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું હતું અધિકારી ચાંપકભાઈ સી પટેલ ઉ.55 અને ડ્રાયવર જાવેદભાઈ પઢિયાર ઉ.27 હોવાનું અને બંને ભાવનગર વિઝીટ માટે ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.



