રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસોત્સવનું ધમાકેદાર આયોજન
સમગ્ર ગ્રાઉન્ડના ખૂણે ખૂણા પર CCTVથી બાજ નજર, બાઉન્સર ટીમની ફોર્સ સતત એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રી રાસોત્સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે, ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. છેલ્લા 18 વર્ષથી અબતક સુરભી રાસોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં થતું આવ્યું છે ત્યારે આ વખતે અબતક – સુરભી રાસોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડની બાજુમાં જ આવેલા માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. આગામી તા.22થી સતત 9 દિવસ સાંજ પડતાની સાથે જ અબતક સુરભી રાસોત્સવનો સૂર્યોદય થશે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે. ત્યારે અબતક સુરભી દ્વારા સતત 19માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે. સૌથી મહત્વનું એ છે કે અબતક સુરભીના આયોજકો દ્વારા સુરક્ષા અને સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તો ચાલો જાણીએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનાર રાસોત્સવમાં કઇ કઇ પ્રકારની સલામતીના પગલાં લેવામાં આવશે. સૌપ્રથમ તો સઘન સુરક્ષા, સંપૂર્ણ સલામતી અને ભવ્ય સંસ્કૃતિનો સમન્વય એટલે અબતક સુરભી તેવો આયોજકોનો ધ્યેય છે.
ખેલૈયાઓને ભવ્ય અનુભવ આપવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આયોજક સમિતિએ સુરક્ષા, સંસ્કૃતિ અને સલામતીના ત્રિવેણી સંગમ સાથે રાસોત્સવને યાદગાર બનાવવા માટે અનેક નિર્ણય લીધા છે. જેમાં સમગ્ર મેદાન સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. એટલે કે ગ્રાઉન્ડના ખૂણે ખૂણા પર બાજ નજર રહેશે. ગ્રાઉન્ડ પર ગરબા રમતા પ્રત્યેક ખેલૈયાના ગ્રુપનું મોનિટરિંગ કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત દરેક ખેલૈયાઓની પ્રાયવસી જળવાઇ રહે તે માટે ગ્રુપના સભ્ય સિવાય અન્ય કોઈને ફોટો પાડવાની કે વીડિયો ઉતારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સઘન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સમગ્ર ગ્રાઉન્ડમાં બાઉન્સર ટીમની ફોર્સ સતત એલર્ટ રહેશે તેમજ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર કડક ચેકિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ખેલૈયા કોઇપણ પ્રકારના વ્યસન જેવા કે પાન-ફાકી-ગુટખા-દારૂનું સેવન કરીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે જો તેમ કરતા કોઇ ખેલૈયાઓ પકડાશે તો તેમનો સિઝન પાસ કેન્સલ કરવામાં આવશે. અબતક સુરભી આયોજિત માધવરાય સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આવતા તમામ ખેલૈયાઓ માટે એક વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત આયોજકો દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સમગ્ર રાસોત્સવ કાર્યક્રમ પારિવારીક વાતાવરણમાં થશે જ્યાં સંસ્કૃતિ અને સલામતી બંનેનો સમન્વય જોવા મળશે.
- Advertisement -
પોલીસની શી ટીમ અને દુર્ગાશક્તિ ટીમ સિવિલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે
દરેક ખેલૈયાઓ કોઇપણ પ્રકારના વિઘ્ન કે મુશ્કેલી વિના રાસ ગરબા રમી શકે તે માટે આયોજકો દ્વારા બાઉન્સરની ફોર્સ તો ગોઠવી જ છે પરંતુ પોલીસની સી ટીમ તથા દુર્ગાશક્તિ ટીમ સિવિલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે જેથી સુરક્ષાનો માહોલ વધારે મજબૂત બને. આ પોલીસની સી ટીમ નવે નવ દિવસ સિવિલ ડ્રેસમાં હાજરી આપશે અને દરેક ખેલૈયાઓને સુરક્ષા અને સલામતી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.
કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો હેલ્પલાઇન પર સંપર્ક કરવો
હ કોઇપણ પ્રકારના વ્યસન જેવા કે પાન-ફાકી-ગુટખા-દારૂનું સેવન કરીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરશો તો સિઝન પાસે કેન્સલ કરવામાં આવશે
હ ગ્રાઉન્ડ પર કોઇપણ પ્રકારનું ન્યૂસન્સ અથવા કોઇપણ પ્રકારની અગવડતા જણાઇ તો હેલ્પલાઇન નં.84692 00044 પર સંપર્ક કરવો
હ રાસોત્સવ રાત્રીના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે તેમજ રાત્રિના 12 વાગ્યે પૂર્ણ થશે, ખેલૈયાઓએ ગ્રાઉન્ડ માં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી
હ ગ્રાઉન્ડ પર શિસ્તનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. બીજા ગ્રુપને નડવું નહિ તેમજ કારણ વિના ક્યાય પણ વચ્ચે ઉભું રહેવું નહીં
હ કોઇ અન્ય ગ્રુપની ફોટો-વીડિયોગ્રાફી કરવાની સખત મનાઇ છે. જો તેમ કરતા પકડાશો તો આયોજકો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
હ દરેક ખેલૈયાઓએ વાહન યોગ્ય જગ્યાએ જ પાર્ક કરવા તેમજ વાહનમાં કિંમતી ચીજવસ્તુઓ રાખો તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે.



