વીરપુરમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
મામલતદાર ભેસાણીયા તેમજ પીઆઇ એસ.જી.રાઠોડ સહીત વૃક્ષારોપણ કરાયુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાંચ જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવેલ શ્રી જલારામ બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય હતી. આ પર્યાવરણ ગ્રામસભામાં વીરપુર ગ્રામપંચાયતના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા તેમજ પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયાએ લોકોને પર્યાવરણ વિશે માહિતગાર કર્યા હતા. આ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા શ્રી જલારામ બાગ ખાતે વૃક્ષારોપણ તેમજ 500 જેટલા વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જેતપુર ગ્રામ્ય મામલતદાર ભેસાણીયા તેમજ વીરપુર પોલીસના પીઆઇ એસ.જી.રાઠોડ સહિત વીરપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સંજયભાઈ ઠૂંગા તેમજ પશુ ડોકટર, વીરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, ગ્રામપંચાયતના સદસ્યો, પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલો તેમજ આંગણવાડીની બહેનો, આશાવર્કર બહેનો,સફાઈ કામદારો સહિતના લોકોએ શ્રી જલારામ બાગની સાફ સફાઈ કરી લોકોને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અપીલ કરીને માહિતગાર કર્યા હતા જેમને લઈને વન વિભાગના આરએફઓ પરેશભાઈ મોરડીયાએ મિશન લાઇન પ્રતિજ્ઞા દ્વારા પર્યાવરણનું જતન કરવા તમામ લોકોને સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા વીરપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી રાઠોડભાઈ તેમજ પ્રશાંતભાઈ ટાંક તથા વીરપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.



