અર્થામૃત
જ્યાં સુધી ધનુષબાણ અને કમરમાં ભાથો ધરનાર શ્રી રઘુનાથજીનો હૃદયમાં વાસ થતો નથી ત્યાં સુધી લોભ, મોહ, મત્સર, મદ તથા માન આદિક દુર્ગુણો હૃદયમાં વસે છે.
કથામૃત
એક માણસ શાંતિની શોધ માટે ભટકી રહ્યો હતો. એકવાર જંગલમાંથી પસાર થતી વખતે રસ્તામાં આ માણસને ચાર સ્ત્રીઓ મળી. માણસે આ ચારેય સ્ત્રીઓને એમનો પરિચય આપવા વિનંતી કરી.
પહેલી સ્ત્રીએ કહ્યું, હું બુદ્ધિ છું, અને માણસના મગજમાં રહું છું.
બીજી સ્ત્રીએ કહ્યું, હું લજ્જા છું, અને માણસની આંખમાં રહું છું.
ત્રીજી સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યું, હું હિંમત છું, અને માણસના હૃદયમાં રહું છું.
છેલ્લે ચોથી સ્ત્રીએ કહ્યું, ભાઈ હું તંદુરસ્તી છું, અને હું માણસના પેટમાં રહું છું.
આ ચાર સ્ત્રીઓના પરિચય પછી માણસ વિચારવા લાગ્યો કે, ‘જો મારી પાસે બુદ્ધિ, લજ્જા, હિંમત અને તંદુરસ્તી હોય તો મને શાંતિ મળવી જોઈએ. પણ મને શાંતિ મળતી કેમ નથી ? હજુ તો વધુ આગળ જાય એ પહેલા જ માણસને રસ્તામાં ચાર પુરુષો સામા મળ્યા. માણસે આ ચારેય પુરુષોને એમનો પરિચય આપવા કહ્યું.
પહેલા પુરુષે કહ્યું, હું ક્રોધ છું, અને માણસના મગજમાં રહું છું.
બીજાં પુરુષે કહ્યું, હું લોભ છું, અને માણસની આંખમાં રહું છું.
ત્રીજા પુરુષે કહ્યું, હું ભય છું, અને માણસના હૃદયમાં રહું છું.
છેલ્લે ચોથા પુરુષે પોતાની ઓળખાણ આપતા કહ્યું, મિત્ર, હું રોગ છું, અને હું માણસના પેટમાં રહું છું.
માણસે આશ્ચર્ય સાથે કહ્યું, તમે બધાં જ ખોટું બોલો છો. કારણ કે તમે રહેવા માટેના જે ઠેકાણા બતાવ્યા ત્યાં તો બધી સ્ત્રીઓ રહે છે. પહેલા પુરુષ એટલે કે ક્રોધે માણસને કહ્યું, ભાઈ, તારી વાત સાચી છે. પણ અમે જ્યારે આવીએ ત્યારે સ્ત્રીઓ તે ઠેકાણું ખાલી કરીને જતી રહે છે. મગજમાં બુદ્ધિ જ રહે છે પણ હું આવું એટલે બુદ્ધિ જતી રહે. એવી જ રીતે મારા આ ત્રણ મિત્રોના આગમન સાથે જ લજ્જા, હિંમત અને તંદુરસ્તી જતાં રહે છે.
- Advertisement -
બોધામૃત
સદ્ગુણો તો આપણામાં જન્મજાત જ છે. એને કેળવવા કે લાવવાની જરૂર જ નથી. પણ જ્યારે દુર્ગુણો આવે છે, ત્યારે સદ્ગુણો વિદાય લઈ લે છે અને દુર્ગુણો પોતાનો કબજો જમાવી બેસે છે. માટે, દુર્ગુણોને આવતા જ અટકાવવા તો સદ્ગુણો જતા બચી જશે.