આવતીકાલે રાત્રે ગુજરાતભરના કલાસાધકો, કવિઓ, સાહિત્યકારો કલા પ્રસ્તુત કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
3ગુજરાતભરના કલાસાધકો, કવિઓ તેમજ સાહિત્યકારોની કલા સાધના અને સેવાઓને ચિરસ્મરણીય રાખવા તથા તેમના પોંખણા કરવામાં આકાર ઈવેન્ટ્સના નેજા તળે નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આવી જ નેમ સાથે આવતીકાલે શુક્રવારે રાત્રે 9-30 કલાકે રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમ (મેઈન) ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, આકાર ઈવેન્ટ્સ- નયન ભટ્ટ તથા મૃણાલિની ભટ્ટ પ્રસ્તુત ગુજરાતી ગઝલના સમર્થ સર્જક કવિ મનોજભાઈ ખંડેરીયાના જીવન-કવન ઉપર આધારિત વિશેષ સ્વરાંજલિ કાર્યક્રમ ‘શબ્દો જ કંકુ ને ચોખા’ શિર્ષક તળે આયોજન કર્યું છે.
કાર્યક્રમની પરિકલ્પના, વિભાવના અને સંકલન વિરલ રાચ્છ તેમજ મિલિંદ ગઢવીનું છે. વક્તા તરીકે કવિ નીતિન વડગામા ઉપસ્થિત રહેશે. સંગીતમય પ્રસ્તુતી સર્વે ભાસ્કર શુક્લ, નિધિ ધોળકીયા, કુમાર પંડ્યા તથા વિદિતા શુક્લ કરશે જેમને સાંગીતિક સહયોગ ભાર્ગવ ચાંગેલા, મિતેષ ઓઝા, આર્યન ઉપાધ્યાય અને અમિત કાચાનો રહેશે. આ સમયે મૃણાલિની ભટ્ટ તથા પલ્લવી વ્યાસ મનોજ ખંડેરીયાના કાવ્યનું પઠન કરશે તેમજ વિશેષ આકર્ષણ રૂપે ખુશી વ્યાસ તેમજ યશ્વી જોષી ગઝલ નૃત્ય પ્રસ્તુત કરશે. મંચ સંરચના કેયુર અંજારીયાની છે. પૂર્ણિમાબેન ખંડેરીયા દ્વારા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય થશે અને મુખ્ય અતિથિ તરીકે નાટ્યકાર ભરત યાજ્ઞિક પધારશે. અતિથિવિશેષ તરીકે કવિ ભાસ્કર ભટ્ટ, ડો. લલિત ત્રિવેદી, દિલીપ જોષી, મહેન્દ્ર જોષી, અમિત વ્યાસ, મનોજ જોષી અને કવયિત્રી લક્ષ્મીબેન ડોબરીયા ઉપસ્થિતિ રહેશે. સાઉન્ડ સુનિલ રાદડીયા તથા પ્રકાશ આયોજન ચેતન ટાંક તેમજ સેટ અશોક લુંગાતર દ્વારા રહેશે.
આ વૈવિધ્યસભર કાર્યક્રમમાં સહુને ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તેમજ નયન ભટ્ટ- મૃણાલિની ભટ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.