રૈયાધારમાં થયેલી હત્યા અંગે શકમંદ મિત્રને ઉઠાવી લેવા તજવીજ
રાજકોટમાં વધતી ગુનાખોરી વચ્ચે વધુ એક હત્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં રૈયાધારમાં રહેતા અને શનિવારથી લાપતા યુવકની રવિવારે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રૈયાધાર મફતિયાપરામાં રહેતો વિનોદ ઉર્ફે વિનોજ દિનેશભાઇ વઢિયારા ઉ.22 શનિવારે ભંગારની ફેરી કરવા રેંકડી લઇને ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી ઘરે નહીં આવતા માતાએ બપોરે 3 વાગ્યે ફોન કરતાં ભંગાર દઇને આવું છું તેવી વાત કરી હતી જોકે ત્યાર બાદ વિનોદનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હોય પરિવારે વિનોદની શોધખોળ શરૂ કરી હતી. અનેક સ્થળે તપાસ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી દરમિયાન રવિવારે બપોરે રૈયાધાર શાંતિનગરના ગેટ નજીક અવાવરૂ સ્થળે એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરતાં લાશ લાપતા વિનોદની જ હોવાનું ખુલ્યું હતું યુવકને માથામાં પથ્થરના ઘા ઝીકિ મોતને ઘાટ ઉતારી દીધાનું જાણવા મળ્યું હતું મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે પોલીસે તપાસ કરતાં રેંકડી પણ લાશ મળી તેનાથી થોડે દૂર બાવળની ઝાડીમાંથી મળી આવી હતી પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા વિનોદ સાથે ભંગારની જ ફેરી કરતો એક શખ્સ જતો જોવા મળ્યો હતો તેમજ તે વિનોદની રેંકડી લઇને એકલો આવતો પણ દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાતા શકમંદની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. યુવાન પુત્રની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.