‘હું મારી રીતે ઘરે આવી જઈશ’ કહી નીકળ્યા બાદ બીજા દિવસે લાશ મળી
પાટણવાવ પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરાજીના મોટીમારડ ગામે 40 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકયા બાદ ગળેટુંપો આપી ઘાતકી હત્યા કર્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ચીખલીયા રોડ તરફ પાણીમાંથી લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં પાટણવાવ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની બહેનની ફરીયાદ પરથી ગુનો નોંધી અજાણ્યાં હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ધોરાજીના મોટીમારડ ગામે રહેતાં ભાવનાબેન ઉર્ફે હુરીબેન સામતભાઈ ડેર ઉ.36એ અજાણ્યાં શખ્સો સામે પાટણવાવ પોલીસમાં હત્યા સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી તેમની માતા રાણીબેન, ભાઈ પ્રવીણભાઇ ઉર્ફે ભગો સાથે રહે છે ઘર કામ કરે છે. તેણીના લગ્ન ઉપલેટાના હરેશભાઈ કારાભાઇ ભેડા સાથે થયેલ હતા અને સંતાનમાં એક દીકરો છે. તેણીના છ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે તેમજ પિતા હયાત નથી પ્રવીણભાઇના લગ્ન તેણીના નણંદ શીલ્પાબેન સાથે થયેલ હતા તેને પણ છૂટાછેડા થઇ ગયેલ છે. તેણીનો ભાઈ ડ્રાઇવિંગ કામ કરતો હતો. ગઇ તા.08ના રાત્રીના આઠેક વાગ્યે ભાઈ તેનું બાઈક લઇ બહાર ગયેલ હતો. ત્યારબાદ સાડા આઠેક વાગ્યે તેને ફોન કરેલ તો, તેને કહેલ હું બહાર છું મારી રીતે ઘરે આવી જઈશ મોડી રાત્રી સુધી ભાઈ ઘરે આવેલ નહિ જેથી તેને ફોન કરતા તેનો ફોન બંધ આવેલ, બાદમાં તેણીએ તેના મોટા બાપાના દિકરા જનક ડેર, રમેશ ડેરને ફોન કરી ભાઇ બાબતે પુછતા કાંઇ જાણવા મળેલ નહિ ત્યારબાદ ગઈકાલે સવારના સાડા નવેક વાગ્યે પિતરાઈ જનકભાઇનો ફોન આવેલ કે, પ્રવીણભાઈની લાશ ચીખલીયા ગામ તરફ જતા રોડ તરફ મારડીયાના માર્ગે પાણીમાં મળેલ છે અને તેનું બાઈક પણ બાજુમાં પડેલ છે, રસ્તામાં લોહીના ધાબાના નિશાનો છે તેમ વાત કરેલ હતી. ત્યારબાદ ભાઇની લાશને મોટીમારડ સરકારી દવાખાને લઇ જતા તેણી તેના માતા સાથે દવાખાને દોડી ગયેલ અને જોયું તો તેને ગળાના પાછળના ભાગે તથા કમરના ભાગે પેટમાં તીક્ષ્ણ હથીયારથી ઘા મારેલના નિશાનો હતા અને લોહિ પણ નિકળેલ હતું ઉપરાંત ગળામાં દોરી અથવા અન્ય કોઇ ચીજ વડે ગળાટુપો આપેલ હોય તેવું નિશાન હતું. ત્યારબાદ ભાઈની લાશનું રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ફોરેન્સિક પી.એમ.કરાવેલ હતું બનાવ અંગેની ફરીયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.બી.વાધિયા અને ટીમે તપાસ હાથ ધરી હતી.