પ્રેમ પ્રકરણમાં યુવાને છરીના ઘા ઝિંકી યુવતીનો જીવ લઈ લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડ્યા હોવાનું નજરે પડે છે જેમાં જિલ્લામાં રોજબરોજ મારા મારી, ચોરી, ફાયરિંગ,બળાત્કાર, હત્યા સહિતની ઘટનાઓ સામાન્ય બની ચૂકી છે તેવામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાને કામ પર જતી યુવતી પર ચપ્પુ વડે હુમલો કરી દશથી વધુ ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું જ્યારે આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી હત્યા નિપજાવી નાશી છુટેલ યુવાનની શોધખોળ આદરી હતી. જોકે મૃતક યુવતીની લાશને પરિવારજનો દ્વારા સ્વીકારવાનો ઇનકાર કરતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વઢવાણના ગણપતિ ફાટસર ખાતે રહેતા પરિવારની દીકરી પાયલબેન સોલંકી રવિવારે દૂધની ડેરી ખાતે આવેલ પ્લાન્ટમાં કામ પર જતા હોય તેવા સમયે યુવતી સાથે અગાઉ પ્રેમ સબંધમાં રહેલા અમન નાથુભાઈ રાઠોડ નામના યુવાને પાયલબેન સોલંકીને રસ્તા વચ્ચે રોકી પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરી બોલાચાલી કરી પોતાની પાસે રહેલી છરી વડે યુવતીને આડેધડ ઘા ઝીંકી નાશી ગયો હતો આ તરફ સવારના સમયે બનેલી ઘટનાને પ્રત્યક્ષદર્શી દ્વારા જણાવ્યા મુજબ યુવતીને કામ પર જતા તેને અટકાવી યુવાને છરીના આઠથી દસ ઘા મારી નાશી ગયો હતો અને લોહી લુહાણ હાલતમાં યુવતી રોડ પર તડફડિયા મારતા તાત્કાલિક રાહદારીઓ દ્વારા યુવતીને સારવાર અર્થે ખસેડી હતી પરંતુ કમનશીબે યુવતીનું મોત નીપજ્યું છે.
જ્યારે આ બનાવ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી પોલીસને જાણ કરી હતી જ્યારે સ્થાનિક પોલીસે યુવતીની હત્યા થયેલ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી જ્યારે મૃતક યુવતી પાયલ સોલંકીના પરિવારજનો દ્વારા પીએમ બાદ પોતે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તાત્કાલિક હત્યારાને ઝડપી લેવા તથા હત્યારાનું સરઘસ કાઢવા માટે માંગ કરી હતી. જોકે પોલીસે યુવતીની હત્યા અંગે ગુન્હો નોંધી પરિવારને સમજાવવા અને હત્યારાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- Advertisement -
હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું
મૃતક પાયલબેન સોલંકીના પરિવારજનોના જણાવ્યા મુજબ છ મહિના અગાઉ 19 વર્ષીય પાયલબેન સોલંકી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો જે અંગે પરિવારજનો દ્વારા પુછતા યુવતીને મોબાઈલ આપનાર અમનભાઈ રાઠોડ હોવાનું જાણવા મળતા યુવતીના પરિવારજનો યુવકના ઘરે જઈ સંબંધ પૂર્ણ કરવાનું જણાવ્યું હતું જે બાદ યુવતી અને યુવાન વચ્ચે કોઈ સંબંધ હતો નહીં પરંતુ યુવાન વારંવાર યુવતીને રોકીને લગ્ન કરી લેવા ધમકી આપતો હતો.



