શ્રમિક પરિવારને મદદરૂપ થતાં આધારસ્તંભ પુત્રના મોતથી પરિવારમાં શોક
ઉમર નાની હોવા છતાં કામે રાખ્યો હોય પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં સંત કબીર રોડ પર ગણપતિ બેંગલ નામની ઇમિટેશનની ઓફિસની લિફ્ટ રિપેરિંગ કરતી વેળાએ કિશોરને વીજશોક લાગતાં તેનું મોત નીપજ્યું હતું એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટના મવડી પાસેના ઉદયનગરમાં રહેતો શ્લોક કિશોરભાઇ લીંબાસિયા ઉ.17 ગત શનિવારે સંત કબીર રોડ પર ગણપતિ બેંગલ નામના ઇમિટેશનની ઓફિસના બિલ્ડિંગમાં લિફ્ટ રિપેરિંગ કરવા ગયો હતો ત્યારે કામ કરતી વેળાએ વીજકરંટ લાગતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર હિતેશભાઇ જોગડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક એક ભાઇ એક બહેનમાં મોટો હોવાનું અને પરિવારનો આધારસ્થંભ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મૃતક શ્લોક સંજયભાઇ ભટ્ટની લિફ્ટ રિપેરિંગ કરતી પેઢીમાં નોકરી કરી તેના પરિવારને મદદ રૂપ થતો હોવાનું પરિવારે જણાવ્યું હતું મૃતક સગીર હોવા છતાં તેને નોકરી પર રાખવામાં આવ્યો હોય ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.