સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી મહિલાનો પરિવારજન સાથે ભેટો થયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
વેરાવળ ખાતે રાજેન્દ્ર ભુવન રોડ પર સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે.181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેલવે સ્ટેશન પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાને બચાવી આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતા. સેન્ટરમાં જ્યારે આ બહેન આવ્યા ત્યારે તેમની માનસિક સ્થિતિ કઈ પણ માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. આથી તેમને થોડા સમય માટે આરામની જરૂરિયાત હોય તેથી તેમને આશ્રય સહાય આપી હતી. ત્યારબાદ તેમને તબીબી સહાયમાં મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરી તેમની પાસેથી તેમના પરિવારની તેમજ તેમના રહેઠાણની માહિતી મેળવતા મહિલા મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન જિલ્લાના વતની હોવાનું જણાતા ઉજ્જૈન પોલીસ સ્ટેશન ચીમનગંજનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ચીમનગંજ પોલીસ સ્ટેશન દ્વારા પરિવારનો ટેલીફોનિક સંપર્ક કરીને મહિલાના પરિવારજનોને ગીર સોમનાથ સખીવન સ્ટોપ સેન્ટર આવવા માટે રવાના કરવામાં આવ્યાં હતાં. મહિલાના પરિવારના ટેલિફોનિક સંપર્કમાં રહીને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચ્યા હતાં. મહિલાના પરિવારના સભ્યો પતિ તેમજ તેમના સસરાના કહેવા મુજબ મહિલા કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી ગુમ થઇ હતી અને જેની શોધખોળ તેઓ તેમના પરિવાર સગા સંબંધીમાં તેમજ તેમના વિસ્તારના દરેક જગ્યાએ કરતા હતાં. પરંતુ મળી આવેલ ન હોય તેમજ તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ પણ કરવામાં આવી હતી.