ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર શહેરમાંથી રોજ ટ્રેક્ટરમાં કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઇટ સુધી નાંખવા કોન્ટ્રાક્ટ અપાય છે. પરંતુ આ કચરો શહેરમાંથી ઉપાડી મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં ઠાલવી પ્રદૂષિત કરવા સાથે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો વીડિયો ફરતો કરી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરની સ્વચ્છ રાખવા માટે નિયમિત કચરો વિવિધ વિસ્તારમાંથી ઉપાડવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. ત્યારે આ કચરો ભોગાવો નદીમાં ઠલવાતો હોવાનો વીડિયો આપના સામાજીક આગેવાન કમલેશભાઇ કોટેચાએ ફરતો કર્યો હતો.આ અંગે કમલેશભાઇ કોટેચાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ સ્ટેશન પર નાખવા માટે મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટરોની મીલી ભગતના કારણે ગામમાંથી કચરો ઉપાડી કોન્ટ્રાક્ટર સુરેન્દ્રનગર અને જોરાવરનગરના મધ્યમાં આવેલી ભોગાવો નદીમાં કચરો ઠલવે છે. જેથી નદી પણ પ્રદૂષિત થાય છે અને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મુજબ કામ ન કરી ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવા માગ છે.
સુરેન્દ્રનગરમાં એકત્ર કરેલો કચરો ભોગાવો નદીમાં ઠલવાતો હોવાનો વિડીયો ફરતો થયો
