કુંકાવાવના દેવગામમાં લાભપાંચમે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર 15 પ્રતિભાશાળી શિક્ષક અને નિવૃત્ત શિક્ષકનું સન્માન કરાયુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કુકાવાવ તાલુકાના દેવગામ સ્થિત પૂજ્ય અમરસાહેબ આશ્રમ ખાતે લાભ પાંચમના પવિત્ર અને પાવન દિવસે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાયો હતો. આ કાર્યક્રમનું સુપેરે આયોજન આશ્રમના પૂજ્ય મહંત ચંદ્રેશ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુકાવાવ તાલુકાના વિવિધ શાળાઓમાં વર્ષો સુધી અવિરત શિક્ષણ સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા 15 પ્રાથમિક શિક્ષકો, તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર 15 પ્રતિભાશાળી શિક્ષકોને સંતોના હસ્તે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મોમેન્ટો, સાલ અને અમર જ્ઞાન ધારા પુસ્તક ભેટરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા. મહંત ચંદ્રેશબાપુએ પોતાના આશીર્વચન દરમિયાન શિક્ષકોના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું કે શિક્ષક એ માત્ર શિક્ષણ આપનાર નથી, પણ સમાજના વિચારને દિશા આપનાર છે. નિવૃત્તિ પછી પણ શિક્ષક તરીકે સમાજમાં પ્રકાશ ફેલાવવાનો કર્તવ્ય ચાલુ રહે છે. આધ્યાત્મિકતા, પર્યાવરણ અને રાષ્ટ્રીય સેવા સાથે જોડાઈને જીવનને સમર્પિત કરવું એ જ સાચી ગુરુસેવા છે.
આ પ્રસંગે આશ્રમ દ્વારા વર્ષભર ચલાવવામાં આવતી અનેક સેવાકીય અને માનવતાભરેલી પ્રવૃત્તિઓનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું હતું જેમ કે દરરોજ પક્ષીઓને ચણનું વિતરણ, ગાયોને નીરણ સેવા, જરૂરિયાતમંદોને કરિયાણા કીટ, ઉનાળામાં છાશ કેન્દ્ર, ગરીબ મહિલાઓને પ્રસૂતિ સમયે ઘીની સુખડી, દિવાળી પર ફટાકડા અને કપડાંનું વિતરણ, પર્યાવરણ અંતર્ગત 5000 વૃક્ષોનો ઉછેર, તથા દુ:ખી નારાયણની સેવા જેવી માનવતાની સુગંધ ફેલાવતી પ્રવૃત્તિઓની ચર્ચા થઈ હતી. ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી તથા અમરેલી જિલ્લાના કૌશિકભાઈ વેકરીયાની ઉષ્માભરી ઉપસ્થિતિ રહી હતી. તેમણે મહંત ચંદ્રેશ બાપુના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી અને આશ્રમ દ્વારા શિક્ષણ તથા સમાજસેવા ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓને અનન્ય ગણાવી શુભેચ્છા પાઠવી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તાલુકા ભાજપ મહામંત્રી તથા દડવા-રાંદલના સરપંચ મનસુખભાઈ બરવાળિયા, દેવગામના સરપંચ પ્રભાતભાઈ, યુવા ભાજપના સંજયભાઈ વાળા, મહંતના લઘુભાઈ આલિંગભાઈ, સંતો જગદીશ બાપા, ગિરધરબાપા, પુના બાપા, દાતા ચાપરાજભાઈ, ભરતભાઈ વેગડ, મનુબાપા ગીડા સહિત અનેક ભક્તો, સત્સંગીજન, શિક્ષક મિત્રો તથા ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમનું સંચાલન પૂર્વ ઇછઈ ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકોનું પ્રોત્સાહન કરવા આ પ્રકારના સન્માન કાર્યક્રમોની આવશ્યકતા જણાવી. કાર્યક્રમ બાદ આશરે 500થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સંત જગદીશ બાપા અને ગિરધરબાપાએ આ કાર્યક્રમની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરી મહંત ચંદ્રેશ બાપુને શુભેચ્છા આપી હતી. સન્માનિત શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવોમાં આ પવિત્ર ભૂમિ પર સંતોના આશીર્વાદ હેઠળ સન્માનિત થવાનું ગૌરવ અનુભવી આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમ સાથે જોડાયેલા તમામ સંતો, સેવાધારી ભક્તો, રાજકીય આગેવાનો, શિક્ષકમિત્રો, મીડિયાના મિત્રો અને સ્વયંસેવકોનો વિનુભાઈ પાચાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



 
                                 
                              
        

 
         
        