કોડીનાર,ઉના ખાંડ ફેકટરી અને કેસર કેરીને પાક વીમા સમાવેશ કરવો ઠરાવ
ખાસ-ખબર સંવાદદાતા
આંકોલવાડી ગીર ગામે ભગીરથ ફાર્મ હાઉસમાં ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ સોજીત્રા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભારતીય કિસાન સંઘનો એક દિવસનો અભ્યાસ વર્ગ યોજાયો હતો,બાણેજના મહંત હરીદાસબાપુએ દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવેલ આ અભ્યાસ વર્ગમાં ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘ કારોબારીના સભ્યો ઉપરાંત ગીર ગઢડા,કોડીનાર,ઉના,વેરાવળ,સુત્રાપાડા તાલુકા કિસાન સંઘના પ્રમુખ-મંત્રી સહિત અગ્રણીઓએ ભાગ લીધો હતો.અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન સંઘના પ્રતિનિધિ શ્રી દાદા લાડ (દિલ્હી),પ્રદેશ પ્રતિનિધિ ભીખાભાઈ પટેલ સહિત અગ્રણીઓએ પ્રાસંગીક પ્રવચન દરમિયાન ઝેર મુક્ત ખેતી, નશામુક્ત માનવ અને સમસ્યા મુક્ત ખેડૂત વિષય ઉપર વિસ્તૃત છણાવટ કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું,
તાલાલા કોડીનાર અને ઉનાની ખાંડ ફેક્ટરીઓ ફરીથી ધમધમતી કરવા અને તાલાલા પંથકનું અમૃત ફળ કેસર કેરીનો પાક વીમામાં સમાવેશ કરવા આંકોલવાડી ગીર ગામે યોજાયેલ ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘના અભ્યાસ વર્ગમાં માંગણી કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તાલાલા સહિત જિલ્લાના કિસાનો ના ઉત્કર્ષ માટે ત્રણેય બંધ ખાંડ ફેક્ટરી ફરીથી ધમધમતી કરવી તથા કેસર કેરીના પાકનો પાક વીમા માં સમાવેશ કરવો અત્યંત જરૂરી હોવાની વિસ્તૃત વિગતોનો ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,પ્રદેશ કિસાન સંઘ સંગઠનને સાથે રાખી જિલ્લાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.