કુકર્મમાં ભાગીદાર બનનાર મહિલાની પણ પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર જિલ્લામાં નાણી વયની કુમળી બાળાઓને હવસનો શિકાર બનાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં રહેતી ધોરણ 10ની વિધ્યાર્થીનીને પાડોશીએ સોશ્યલ મીડિયા મારફત ફસાવી પરિચિત મહિલાના ઘરે બોલાવી પ્રથમ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી બાદમાં અવારનવાર બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે હવસખોર શખસ અને મદદ કરનાર મહિલા બંનેની ધરપકડ કરી છે જ્યારે શાપરમાં 11 વર્ષની બાળકીને પાડોશી 21 વર્ષના ઢગાએ હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર રહેતાં તરૂણીના પિતાએ નિતીન બગથરીયા અને આનંદનગરના મધુબેન કિરીટભાઈ ધકાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી 376(3), 376(2)એન, 377, 506 અને પોક્સો એકટ મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેની 15 વર્ષીય પુત્રી પખવાડિયાથી ઉદાસ રહેતી હોય અને ઘણી વખત રડતી હોય બે-ત્રણ વખત તેને પૂછયુ કે, શું થયું? પણ દિકરી કાંઈ બોલતી ન હોતી જેથી મને એમ કે તેણી બોર્ડમાં અભ્યાસ કરતી હોવાથી ટેન્શન હશે પરંતુ બુધવારે દીકરી ખુબ ઉદાસ હોય પ્રેમથી સમજાવી પૂછતાં તેણી રડવા લાગી હતી અને તેણે કહ્યું કે, નિતીન અંકલ તેને ડરાવીને એક આન્ટીને ત્યાં બોલાવી તેની સાથે ખુબ જ ખોટું કામ કરે છે. જેથી તેના માતાને બોલાવી પુત્રીને સમજાવટ કરી પૂછતાં દીકરીએ તેની પાસે રહેલો એક મોબાઈલ કાઢી આપ્યો હતો જેમાં દીકરીના નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું તેમાં નિતીન બગથરીયાએ સગીરાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને ચેટિંગ કરતો હતો. નીતિને જ આ મોબાઈલ ફોન સગીરાને લઈ આપ્યો હતો અને ફોનમાં વાતચીત કરતો હતો. પોતાના જાણીતા મધુબેન કે જે અગાઉ વિરાટનગરમાં રહેતા હતા અને હાલ આનંદનગરમાં રહી બ્યુટી પાર્લર ચલાવે છે તેના ઘરે સગીરાને બોલાવી અવાર-નવાર ડરાવી, ધમકાવીને દૂષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું ફરિયાદ અન્વયે પી.આઈ. એમ.એમ. સરવૈયા અને રાઈટર નિલેશભાઈ મકવાણાએ બંને સામે ગુનો નોંધી બંનેને સકંજામાં લઈ તપાસ ધરી છે.
જ્યારે શાપરની 11 વર્ષની બાળાની માતાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં તેના પાડોશમાં જ રહેતા રોહિત મનીશભાઈ વાઘેલા ઉ.21 સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રોહિતએ તેની 11 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું પીએસઆઇ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આઇપીસી 376, અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઉઠાવી લઈ પૂછપરછ કરતા જાણવા મળેલ કે, 2 માસ પહેલા આરોપીની નજર બાળકી પર બગડી હતી. બાળકીને લલચાવી મોબાઈલમાં વાતચીત કરતો હતો. 20 દિવસ પહેલા મળવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. જે પછી અવાર નવાર દુષ્કર્મ કરી આરોપીએ હવસ સંતોષી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.