નીતિન ગડકરી દરરોજ આંકડા આપે છે કે, દેશમાં દરરોજ સરેરાશ ત્રીસ કિલોમીટર હાઈ-વે બને છે કે પાંત્રીસ કિલોમીટર બને છે. હશે, પ્રભુ. અમે તો જે નજર સામે દેખાય તેને જ માનીએ. રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે છેલ્લાં છ-છ વર્ષથી બની રહ્યો છે. જો 225 કિલોમીટરનો રોડ બનાવવા માટે 2100 દિવસ પણ પર્યાપ્ત ન હોય તો આપણને પરિવહન મંત્રીશ્રીની વાત ગળે કેમ ઉતરે? રાજકોટથી જૂનાગઢ- સોમનાથ હાઈ-વેની દશા પણ એવી છે. જેતપુર પાસેથી તો નીકળતાં પણ ડર લાગે, તેવી સ્થિતિ છે. આટઆટલાં વર્ષો પછી બનેલાં રોડની ગુણવત્તા કેટલી હદે ખરાબ હોય છે એ વિશે એક શબ્દ પણ ન લખીએ તો ચાલે.
હાઈ-વેની આ બાબતો જેટલી જ વાહિયાત અને હાસ્યાસ્પદ બાબત છે: સ્પીડબાંધણું. ગુજરાતનાં અનેક હાઈ-વે પર સરકારે 80ની સ્પીડ બાંધી દીધી છે અને હજ્જારો કેમેરા ફિટ કરી દીધાં છે. જેવાં તમે એંસીને બદલે પંચ્યાશી કે નેવુંની સ્પીડ પર ચલાવો, તમારો મેમો ફાટ્યો સમજો.
- Advertisement -
આપણે એક તરફ સિક્સ લૅન અને એઈટ લૅનનાં રસ્તા બનાવવા છે અને બીજી તરફ સ્પીડ લિમિટ 80 કિલોમીટર પ્રતિ કલાક રાખવી છે. બેમાંથી એક વાત નક્કી કરો: આગળ વધવું છે કે પાછળ જવું છે. કારણ કે, દુનિયા 100-120 કે 160 પર ચાલી રહી છે. મુસાફરીનો સમય ઘટાડવા આપણે સુંવાળાં અને પહોળાં રસ્તા બનાવીએ છીએ, તેની પાછળ હજારો કરોડનો ખર્ચ કરીએ છીએ અને પછી સરકાર તમને સૂચના આપે છે કે તમે એ સ્પીડે ચલાવો – જે ગતિએ નેવુંના દસકામાં ચલાવતાં હતાં. ગજબનાક તર્ક છે. શું શાસકોએ અને બ્યૂરોક્રસીએ પોતાની અક્કલની લિમિટ પણ બાંધી રાખી હશે? કોઈ શક? નોટ એટ ઑલ.