સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350 શિક્ષકોએ મૌન રેલીમાં જોડાઈને ઉગ્ર આંદોલનની ચીમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને સરકારને ઢંઢોળવા માટે મૌન રેલી યોજી હતી. આ મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350 જેટલા શિક્ષકોએ જોડાઈને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાયમી શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સહિતના પડતર પ્રશ્ને સરકારે વિધાનસભાની ચૂંટણીમાં ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ પણ આ માંગણીઓ ન સંતોષાતા ફરીથી નવા તબક્કામાં આંદોલન છેડવામાં આવ્યું છે જેમાં રામધૂન, ધરણાં અને આવેદનપત્ર આપ્યા બાદ શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના વડપણ હેઠળ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના 350 જેટલા શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને નવા બસ સ્ટેન્ડથી ગાંધીચોક સુધી મૌનરેલી કાઢવામાં આવી હતી અને પડતર પ્રશ્ને સરકાર યોગ્ય ઉકેલ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.