નજરબાગ રેલવે સ્ટેશને છેલ્લે સુધી ટિકિટ વિતરણ કરાયા બાદ મુસાફરોને ટિકિટના રૂપિયા રિફંડ ન મળતાં દેકારો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીથી લાંબા અંતરની અન્ય ટ્રેનોમાં મુસાફરો જઈ શકે તે માટે દોડતી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આશીર્વાદ સમાન છે જો કે આ ટ્રેન અવારનવાર રાજકોટ રેલ્વે ડિવિઝનની અણઆવડતનો ભોગ બનતી હોય છે જેમાં વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જિન અવાર નવાર ફેલ થવાની ફરિયાદ ઉઠે છે જેના કારણે મુસાફરોને છેલ્લી ઘડીએ રઝળી પડવું પડે છે ત્યારે વધુ એકવાર ટ્રેનનું એન્જિન ફેઇલ થતાં એ ટ્રેન રદ કરી દેવાતા મુસાફરો રઝળી પડ્યા હતા.
મોરબી નજીકના નઝરબાગ રેલ્વે સ્ટેશન દ્વારા છેલ્લે સુધી ટિકિટ વિતરણ ચાલુ રાખવામાં આવ્યા બાદ અચાનક ટ્રેન રદ થયાની જાહેરાત થઈ છતા અનેક મુસાફરોને ટિકિટના રૂપિયા રીફંડ ન આપવામાં આવતા થોડી વાર માટે અહીં દેકારો પણ મચી જવા પામ્યો હતો અને રેલ્વે સ્ટેશન જવા માટે જે પણ સાધન મળે તેના થકી પહોંચવા મુસાફરો અધીરા બન્યા હતા. મોરબી વાંકાનેર વચ્ચે દોડતી આ ડેમુ ટ્રેનનું એન્જિન અનેક વખત ફેલ થઇ જતું હોય છતાં રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા શા માટે નવી ડેમુ ટ્રેન ફાળવવામાં આવતી નથી અને જે તે જૂની ટ્રેનથી જ ગાડું ચલાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે !