ઉપલેટામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડાઓ બંધ અને શ્રમિક હડતાલ કાર્યક્રમ સમર્થન
ખાસ-ખબર સંવાદદાતા
ઉપલેટા શહેરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડાઓ બંધ અને શ્રમિક હડતાલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી ખેડૂત આગેવાનો અગ્રણીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને શહેરના મુખ્ય માર્ગો પર બેનરો અને સૂત્રોચાર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને રેલી બાદ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રેલી પૂર્ણ કરી ખેડૂત આગેવાનો તેમજ શ્રમિકોની વિવિધ માંગણીઓને પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને પડતર પ્રશ્નોની માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી. નવેમ્બર-2020 થી દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિશાન મોરચાના નેતૃત્વમાં 500-જેટલા ખેડૂત ખેત મજદુર અને કામદારના સંગઠનોએ પોતાની માંગણીઓ અંગે 13-મહિના સુધી ઘરણા આંદોલન કરેલ હતું. કેન્દ્ર સરકારે આ આંદોલનકારી ખેડૂત સંગઠનોના આગેવાન સાથે લેખિત સમજુતી કરી માંગણીઓ પુરી કરવાનું વચન આપેલ હતું તે આજદિન સુધી પૂર્ણ કરેલ નથી. આથી ખેડૂત સંગઠનો અને કામદાર મજદુર સંગઠનોએ પોતાની માંગણીઓ માટે ચલો દિલ્હીનો નારો આપી આંદોલન શરૂં કરેલ છે તેના ભાગ રૂપે તા.16-02-2024 ના રોજ રાષ્ટ્ર વ્યાપી ગામડા બંધ અને ચક્કાજામ કાર્યક્રમનું એલાન કરેલ છે તેના ભાગ રૂપે ઉપલેટામાં આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે.