ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.15
જાફરાબાદના લોઠપુર ગામ નજીક વાંકા બાવળ ખાતે કોપર કંપની આવી રહી છે. જેને લઇ લોક સુનાવણી યોજવામાં આવી હતી. આ લોકો સુનાવણી પ્રાંત કલેકટર મેહુલ બરાસરા અને પર્યાવરણ અધિકારી રાઠોડ તેમજ દીપ્તિબેન પટેલના અધ્યક્ષ સ્થાને લોક સુનાવણી યોજાઇ હતી. અને 11 કલાક આસપાસ શરૂ થયેલી આ લોક સુનાવણીમાં અંદાજે 350 જેટલા લોકોએ હાજરી આપી હતી. આ લોક સુનાવણીમાં ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. જેમાં આજુબાજુના લુણસાપુર,લોઠપુર બાલાનીવાવ,જાફરાબાદ રાજુલા સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો અને આગેવાનોએ હાજરી આપી હતી.
- Advertisement -
અને આ કંપની આવવાથી આરોગ્ય પર્યાવરણ શિક્ષણ તેમજ રોજગારી બાબતે લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતાં અને તે પ્રશ્નોને અધિકારીઓએ સાંભળ્યા હતાં. આ લોક સુનાવણીમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો તો કેટલાક લોકોએ સમર્થન કરતા જોવા મળ્યાં હતાં. આ લોક સુનાવણીમાં બંને પક્ષને અધિકારીઓએ વાત ધ્યાનથી સાંભળી અને યોગ્ય કરવાની ખાતરી આપી હતી. અને લોક સુનાવણીમાં જેટલા લોકો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર કરતા હોય અને વાતાવરણ ઉગ્ર બનાવતા હોય જેના અનુસંધાને ડીવાયએસપી હરેશભાઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અંદાજે દસ વ્યક્તિઓની અટકાયત કરી હતી. અને સાડા ત્રણ કલાક સુધી ચાલેલ આ સુનાવણીમાં લોકોના તમામ પ્રશ્નો તથા રજૂઆતને સાંભળવામા આવી હતી.