ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર (ઝોન-1) તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિ.નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક વિસ્તાર લોઠડા જીઆઈડીસી ખાતે ‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના લોઠડા, કોઠારીયા સોલવન્ટ, આજી ડેમ ચોકડી, માંડાડુંગર તથા અન્ય ઈન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલનગર, વિરાણી અઘાટ વગેરે ઈન્ડસ્ટ્રીયલ એરિયાના હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. રાજકોટ પોલીસ પક્ષે અધિક પોલીસ કમિનશર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કશિનર સજનસિંહ પરમાર (ઝોન-1) તથા ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિ. વી. જી. પટેલ તથા આજી ડેમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે. જે. કરપડા તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ. એમ. સરવૈયા ઉપરાંતના પોલીસ અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ અને પ્રજા કે જેમાં ઉદ્યોગકારો, ઔદ્યોગિક વસાહતોના રહીશો તેમજ કારીગરો વચ્ચે એકાત્મતા કેળવાય ઉપરાંત સંવાદોનું અંતર ઘટે તેથી નાગરિકોના પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે કોમ્યુનિટી પોલીસીંગ ખૂબ જ અગત્યનું છે. પોલીસ સ્થાનિક નાગરિકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ફરજો નિભાવે તેમજ તે અનુસાર કામગીરીને પ્રાથમિકતા આપે તેમજ સામાન્ય પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરે તે જરૂરી છે.
આ ભાવનાને સિદ્ધ કરવા અર્થેનો આ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમને આજી ડેમ પોલીસ સ્ટેશન તથા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ એરિયાના હોદ્દેદારો તથા ઉદ્યોગકારો સાથે યોજી નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા પ્રજાજનોને સાયબર અવેરનેશ તેમજ ટ્રાફિક અવેરનેશ સંદર્ભેના પેમ્ફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે રાજકોટ શહેર પોલીસની ઔદ્યોગિક વસાહતોમાં જઈ ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરી નિવારણ લાવવાના પ્રયત્નોથી ઔદ્યોગિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેમજ સુરક્ષાનો ભાવ કેળવાય એવા ઉમદા વિચાર અને પ્રયત્નને લોઠડા, કોઠારીયા સોલવન્ટ, આજી ડેમ ચોકડી, માંડાડુંગર, પટેલનગર, અટીકા, વિરાણી અઘાટ સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.