જામનગર જીલ્લાના નિકાવા ગામમાં રહેતા ધીરુભાઈ વીરડીયા અને દયાબેન વીરડીયા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દુષ્કાળના વર્ષમાં કોઈ આવક ન થાય એટલે સરકાર દ્વારા જે રાહતકાર્ય ચાલતું હોય એમાં કામ કરવા જાય અને જે થોડી ઘણી આવક થાય એમાં પરિવારનો ગુજારો થાય. રાહત કામમાં જાય ત્યારે ત્યાં સુપરવાઈઝર આવે અને બધાની હાજરી પૂરે. સુપરવાઈઝરને જોઈને દયાબેનને થાય કે મારા દીકરાને પણ આવું કામ મળે તો કેવું સારું? પિતા ધીરુભાઈનું પણ સપનું હતું કે દીકરો મોટો સાહેબ બને અને એસી વાળી ઓફિસમાં બેસીને કામ કરે. દંપતીના સપના તો દીકરાને સાહેબ બનાવવાના હતા પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ નાજુક એટલે ગામની સરકારી શાળામાં જ અભ્યાસ કરીને દીકરા કૌશિકે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરી પછી નોકરીમાં લાગી ગયો. 11માં ધોરણમાં ભણવા બેઠો પણ સાથે સાથે નોકરી કરવા પણ જવાનું. માસિક રૂપિયા 1650મા નોકરી ચાલુ કરી. ધોરણ 12 પાસ કર્યા પછી તો ફૂલ ટાઈમ નોકરીમાં લાગી ગયો. મહિનાનો માત્ર 3000 પગાર મળતો એટલે ઘણા એવું પણ કહેતા કે આટલા ઓછા પગારમાં નોકરી ન કરાય. કૌશિક આ લોકોને જવાબ આપતો કે ‘પગાર ભલેને ઓછો મળે પરંતુ શીખવા તો મળે છે ને. જો નવું શીખીશું તો આપણે પણ આગળ વધીશું અને પગાર પણ વળશે.’ કૌશિક ભણતો જાય અને કામ કરતો જાય. વધારાના કામ માટે વધારાનું વેતન ન મળે તો પણ કામ કરે અને ઉત્સાહથી કામ કરે. એની એક જ વાત હતી કે વધારાનું વેતન ન મળે તો કાઈ નહિ નવું શીખવા તો મળે છે.’ આ નવું શીખવાની વૃતિને કારણે કૌશિકનો પગાર અને પદ બંને ઊંચું થયું ગયું. બી.કોમ. પૂર્ણ કરીને એકસટર્નલમાં એમ.કોમ.પણ પૂરું કર્યું. રાજકોટની કાસ્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક કંપનીએ કૌશિકની ધગસ અને કાર્ય પ્રત્યેનું સમર્પણ જોઈને જે કામ કરવા માટે સી.એસ. જેવા પ્રોફેશનલની જરૂર પડે એ કામ કૌશિકને સોંપ્યું. આ છોકરોએ જી.એસ.ટી. તેમજ ઈમ્પોર્ટ એક્સપોર્ટમાં નિપુણતા મેળવી. જી.એસ.ટી.માં એવો એક્સપર્ટ થયો કે જી.એસ.ટી. વિભાગના અધિકારી સાથે કોઈ નિયમોની બાબતમાં બિન્દાસ્ત ચર્ચા કરી શકે અને વિનમ્રતાપૂર્વક અધિકારીની ભૂલ પણ એના ધાન પર મુકે. કૌશિકને 12મા ધોરણમાં માત્ર 52% માર્ક્સ આવેલા પરંતુ એની નિપૂણતાને લીધે 12મા ધોરણમાં 80%થી વધારે માર્ક્સ વાળા અને કૌશિક કરતા ઊંચી ડીગ્રી વાળા એના હાથ નીચે કામ કરતા હતા. કૌશિક એવું કહે છે કે તમને તમારી માર્કશીટની ટકાવારી જે અપાવે એના કરતા પ્રેક્ટીકલ જ્ઞાન વધુ અપાવે છે. વેતન કરતા પણ વધુ કામ કરવાની આદત અને નવું નવું શીખવાની વૃતિને કારણે આ છોકરો જી.એસ.ટી. અને ઈમ્પોર્ટ એક્સપોર્ટમાં એવો હોશિયાર થયો કે નાગપુરમાં આવેલી 5000 કરોડનું ટર્નઓવર કરતી મલ્ટી નેશનલ કંપનીમાં માસિક 1,00,000થી વધુના પગાર સાથેની સીનીયર પોસ્ટ માટેની ઓફર મળી. આ ઓફર સ્વીકારીને કૌશિક ઇન્દોરમાં સફળતાપૂર્વક પોતાનું કામ કરી રહ્યો છે.
મિત્રો, નવું નવું શીખવાની વૃતિ અને દિલ દઈને કામ કરવાની આદત, તમારી પાસે કોઈ મોટી ડીગ્રી નહિ હોય તો પણ તમને બહુ ઊંચા પદ પર પહોંચાડી દેશે પરંતુ જો નવું શીખવાની વૃતિ નહિ હોય કે કામચોરીની દાનત હશે તો તમારી ગમે એવી મોટી ડીગ્રી પણ તમને આગળ નહિ વધારી શકે.