ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમાં નવુ આરોગ્ય કેન્દ્ર મળે તે માટે ધારાસભ્ય દ્વારા ગુજરાત સરકારમા રજુઆત કરાઇ હતી. અને અથાગ પ્રયત્નો બાદ રાજુલા શહેરના લોકો માટે નવુ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયુ જેનુ આજરોજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણના વરદહસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકાયું હતું. આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીની સારવાર,મમતા ક્લિનિક,લેબોલેટરી તપાસ,પ્રસુતિ સેવાઓ અને કુટુંબ કલ્યાણ સહિતની આરોગ્યલક્ષી સારવાર મળી રહેશે. રવુભાઈ ખુમાણે જણાવ્યુ કે, રાજુલા શહેરમા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂૂ થતા જાહેર જનતાને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર તેમજ ભારત તથા ગુજરાત સરકાર દ્વારા ચાલતા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો લાભ અને માહિતી સુલભ થશે તેમજ લોકોને સરળતાથી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોની તંદુરસ્તી જળવાઈ રેહશે. આ લોકાર્પણ પ્રસંગે રવુભાઇ ખુમાણ, મેડિકલ ઓફિસર ડો.કિંજલ કાતરીયા, સહિત આરોગ્ય સ્ટાફ તેમજ આશા બહેનો હાજર રહ્યાં હતાં.