પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ દ્વારા રૂ.3 લાખથી વધુનું વેંચાણ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કોડીનાર ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો-ટેકનોલોજી પ્રદર્શન અને પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 40થી વધુ જુદા-જુદા પાકની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે અને જુદી-જુદી ટેકનોલોજીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાંથી અંદાજીત રૂ.3,00,000નું વેચાણ થયું હતું. આ કાર્યક્રમમાં 2300 થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક જીતેન્દ્રસિંહે ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ તેમજ શ્રી એ.એમ.કરમુરે ગુજરાત રાજયની બાગાયત ખાતાની સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ એસીએલ યુનિટ હેડ રાજીવ જૈને વિકસીત ભારત બનાવવા માટે સ્વચ્છતા, પાણી સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યા હતો.