સાગર રાઠોડ નામના ગ્રાહકે ગઈકાલે કપ કેક ખરીદી, જે આરોગતા ગ્રાહકની ભત્રીજીને ઝાડા ઉલટી થયા
ગ્રાહકે હોટેલના મેનેજરને ફરિયાદ કરતા તેની સાથે કર્યું ખરાબ વર્તન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પ્રખ્યાત હોટેલ ઈમ્પિરીયલ પેલેસ ફરી વિવાદમાં આવી છે. સાગર રાઠોડ નામના ગ્રાહકે ઈમ્પિરીયલ પેલેસમાંથી ગઈકાલે મફિન્સ (કપ કેક), પેસ્ટ્રી અને એક બ્રેડ લીધા હતા. જેમાંથી જીવાત નીકળી હતી. સાગર રાઠોડે મીડિયાને જણાવ્યું કે, ગઈકાલે રાત્રે મફિન્સ ખરીદ્યું હતું જે ખાવાથી મારી ભત્રીજીને ઝાડા ઉલટી થઈ ગયા છે. જે બાબતે આજે સવારે હોટેલના મેનેજરને વાત કરતા તેણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. અને તમે ખોટું બોલી રહ્યા છો તેવું કહ્યું હતું જ્યારે સાગરે વધુમાં જણાવ્યું કે, મફિન્સના પેકેટ પર ઈમ્પિરીયલ હોટેલનો ટેગ મારેલો છે અને મે પેમેન્ટ પણ કાર્ડથી કરેલું છે. ઈમ્પિરીયલ પેલેસની કપ કેકમાંથી જીવાત નીકળી આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેકમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો પણ કર્યો હતોજો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખાની તપાસ સામે સવાલ ઉઠ્યા છે.
અનેક મોટી હોટેલમાં ચેકિંગ થાય તો વાસી ફૂડ મળી શકે
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દર અઠવાડિયે ખાણી પીણીના નાના ધંધાર્થી પર ચેકિંગ કરે છે અને દંડ ફટકારે છે જ્યારે મોટી હોટેલમાં ચેકિંગ કરતા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જો રાજકોટની મોટી મોટી હોટેલમાં પણ આરોગ્ય વિભાગ દરોડા પાડે તો મોટા પ્રમાણમાં વાસી અને અખાદ્ય ફૂડનો જથ્થો મળી શકે તેમ છે.