સુશાસન સપ્તાહ, સ્વચ્છતા અભિયાન મુદે ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
કલેકટર દીવ ફવર્મન બ્રહ્માની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સુશાસન સપ્તાહ, સ્વચ્છતા અભિયાન અને આગામી જી-20 મીટીંગ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર સહિત પોલીસ અધિક્ષક, નાયબ કલેક્ટર, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને સભ્યો, તમામ જનપ્રતિનિધિઓ, તમામ કાઉન્સિલરો, તમામ ગ્રામ પંચાયતોના સરપંચો અને તમામ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. .
જી-20 બેઠકના સફળ આયોજન માટે તમામ જનપ્રતિનિધિઓની મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને તેમની સહભાગિતા, સહકાર અને સમર્થન માટે તેમને અપીલ કરી. કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ફવર્મન બ્રહ્માએ જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને દીવને સંપૂર્ણ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું છે અને વિદેશી મહેમાનો સમક્ષ એક આદર્શ અને અનુકરણીય નાગરિક અને અનન્ય રાજ્યનું ઉદાહરણ રજૂ કરવાનું છે.
જી-20 મીટીંગના સફળ સંચાલન માટે કાયદો અને વ્યવસ્થા વિશે બોલતા, પોલીસ અધિક્ષક, દીવ, મણિભૂષણ સિંઘે જણાવ્યું હતું કે તમામ લોક પ્રતિનિધિઓએ પોતપોતાના સ્તરે લોકોને પ્રેરણા આપવી જોઈએ જેથી લોકો રોજિંદા જીવનમાં કાયદાનું પાલન કરી શકે.
જાગૃતિ અને સકારાત્મક માનસિકતા આવવી જોઈએ અને લોકોએ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવું જોઈએ અને પ્રશાશન ને સહકાર આપવો જોઈએ.