સનાતન સંસ્કૃતિ-પરંપરાનું રક્ષણ, ગૌ હત્યા બંધ કરવા જેવા મુદ્દાઓ પર સરકારને મજબૂત સંદેશ આપવા મહાસંમેલનનું આયોજન
ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અટલ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે મહાસંમેલન યોજાશે: મિલનભાઈ શુક્લએ મોટી સંખ્યામાં હાજરી આપવા કરી અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમાજની રાજકીય અને સામાજિક અવગણના મુદ્દે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન આવતી 7 ડિસેમ્બર, 2025 રવિવારના રોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી અટલ સરોવર, ન્યૂ રેસકોર્સના અટલ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. સમાજના જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની રાજકીય અને સામાજિક અવગણના થઇ રહી છે તેમજ કર્મકાંડી બ્રાહ્મણ પરિવારો અને તીર્થ પુરોહિતોને દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સહિતની પડતર માંગણીઓ મુદ્દે સમાજ એક મંચ પર આવી પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડશે.
આ મહાસંમેલન કોઈ રાજકીય પક્ષના સમર્થન કે વિરોધ માટે નથી, પરંતુ દરેક રાજકીય પક્ષોમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને સમાજને વિશ્વાસમાં લઈ નિર્ણય લેવામાં આવે એ મુખ્ય હેતુ રાખીને આયોજિત છે.
બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ એકતા સાથે શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે સમાજને મજબૂત બનાવવા તેમજ સનાતન સંસ્કૃતિ-પરંપરાનું રક્ષણ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે થતી અભદ્ર ટિપ્પણીઓનો વિરોધ અને ગૌ હત્યા બંધ કરવા જેવા મુદ્દાઓ પર સરકારને મજબૂત સંદેશ આપવા આ મહાસંમેલન મહત્વનું બની રહ્યું છે.
મહાસંમેલનને સફળ બનાવવા માટે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં આગેવાનો સતત પ્રવાસ કરી રહ્યા છે. યુવાનો પણ કોઈ સ્વાર્થ વગર મોટી સંખ્યામાં કાર્યરત છે. તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરતાં મીલનભાઈ શુકલએ બ્રહ્મ સમાજના દરેક વર્ગને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.



