અપશબ્દો બોલતા માથાકૂટ થઈ’તી : ભગવતીપરા મેઈન રોડ પર નોનવેજના રેસ્ટોરન્ટમાં બનેલો બનાવ
ઈજાગ્રસ્ત નીતિનકુમાર મૂળ બિહારનો વતની: મિત્રો સાથે જમવા ગયો ત્યારે અગાઉ દિવાળી પહેલા પણ બોબીએ માથાકૂટ કરી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજના એમબીએના પરપ્રાંતિય વિદ્યાર્થી ઉપર ભગવતીપરાના નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે છરીથી હુમલો થયો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ નીતિનકુમાર મનોજકુમાર (ઉ.23)એ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. નીતિનકુમારના જણાવ્યા મુજબ તે મૂળ બિહારનો વતની છે. અહીં મારવાડી યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરે છે અને ત્યાં કોલેજની હોસ્ટેલમાં જ રહે છે. તે અવારનવાર તેમના વિદ્યાર્થી મીત્રો સાથે ભગવતીપરા મેઈન રોડ પર આવેલી જીલાની કેટરર્સ નામની નોનવેજ રેસ્ટોરન્ટ ખાતે જમવા જતો હોય છે. દિવાળી પહેલા તે ત્યાં જમવા ગયેલો ત્યારે અપશબ્દો કહેતા અજાણ્યા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. નીતિનકુમારે અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા શખ્સે ઝઘડો કર્યો હતો. તે સમયે રેસ્ટોરન્ટના માણસોએ વચ્ચે આવી મામલો ઠંડો પાડયો હતો. ત્યાંથી નીતિનને જાણવા મળેલ કે આ અજાણ્યા શખ્સનું નામ બોબી છે. એ પછી ગઈકાલે રાત્રે 9 વાગ્યે નીતિનકુમાર મિત્રો સાથે જીલાની કેટરર્સ રેસ્ટોરન્ટ ખાતે ગયો ત્યાં આ બોબી સામે આવી જતા બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી.
અગાઉના ઝઘડાનો ખાર રાખી બોબીએ પોતાની પાસે રહેલી છરી નીતિનકુમારને પડખાના ભાગે મારી આરોપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે બોબીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.