ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.21
પાડોસી દેશ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો છે. પાકિસ્તાનમાં બુધવારે બપોરે 2:00 વાગ્યે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ર્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે. પાકિસ્તાન સેનાની મીડિયા વિંગે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આતંકવાદીઓએ ઉત્તર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા ચોકીમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને અંદર ઘૂસાડી દીધું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આનાથી આતંકવાદીઓમાં ભય ફેલાયો હતો, જેના કારણે તેઓએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે. આ અભિયાન હેઠળ 6 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જો કે સેનાએ આ હુમલા પાછળ કોનો હાથ છે તેની વિસ્તૃત વિગતો નથી આપી પરંતુ એક ઈસ્લામિક આતંકવાદી જૂથ હાફિઝ ગુલ બહાદુરે તેની જવાબદારી લીધી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા શનિવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના કલાત જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર થયેલા ઘાતક હુમલામાં સુરક્ષા કર્મચારીઓ સહીત સાત લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.