મોરબી LCB ટીમની કાર્યવાહી, 21.46 લાખના દારૂ બિયર સહીત 33.66 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા હાઈવે ઉપર અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવીને ટ્રકમાં વાંસના બાંબુની આડમાં લઈ જવાતો દારૂ બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને રૂ.21.46 લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે કુલ 33.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરીને દારૂ મંગાવનારા તેમજ મોકલનારા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
- Advertisement -
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક રાજસ્થાન બોડીવાવાળો અશોક લેલન ટ્રક રજી. નં. ૠઉં-06-ટટ-8699 માળીયા તરફ આવી રહ્યો છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જેથી એલસીબી ટીમે અણિયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવીને ટ્રકની તલાશી લીધી હતી ત્યારે ડ્રાઈવરે ટ્રકમાં વાંસના બાંબુ ભરેલા હોવાની કેફિયત આપી હતી જોકે ડ્રાઈવરે પોલીસ સમક્ષ રજુ કરેલી બિલ્ટી શંકાસ્પદ લાગતા પોલીસે ટ્રકમાંથી વાંસના બાંબુ હટાવતા ચોરખાનું મળી આવ્યું હતું જેમાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 5052 બોટલો કીં. રૂ. 18,58,800 તથા બીયરના 2880 ટીન કીં. રૂ. 2,88,000 એમ કુલ રૂપિયા 21,46,800 નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી ટ્રકચાલક સોનારામ દુદારામ કડવાસરાને ઝડપી લેતા દારૂનો આ જથ્થો ટ્રકમાલિક અરવિંદજી જાટ, રહે.જોધપુર રાજસ્થાનવાળાએ મોકલ્યો હોવાનું અને બાડમેર રાજસ્થાનના શ્રવણરામ મઘારામ જાટે આ દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાની ટ્રકચાલકે કબૂલાત આપતા પોલીસે દારૂ બીયરનો આ જથ્થો મંગાવનારા તપાસમાં ખુલે તે તમામ લોકો વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને દારૂ બીયરના જથ્થા સહીત ટ્રક, મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 33,66,440 નો મુદામાલ કબ્જે કર્યો હતો.