માત્ર જરૂરીયાત જ નહીં, માનવતા પણ જન્મ આપે છે, નવતર પ્રયોગોને… ચોકલેટમાંથી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીમાંથી ગણેશ મૂર્તિ બનાવવાની અને એના કારણોની રસપ્રદ વાતો
તેઓ ખાદ્ય સામગ્રીમાંથી વિવિધ છ પ્રકારના ગણપતિ બનાવે છે. જેવા કે, ચોકલેટ ગણપતિ, ખીર ગણપતિ, ફાઈવસ્ટાર બારમાંથી પાંચ મિનિટમાં બનતાં ગણપતિ(બાળકો માટે ખાસ), હલ્દીમિલ્ક ગણપતિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ
- Advertisement -
રાજકોટનું ગૌરવ, રીંટુ કલ્યાણી રાઠોડ…
ખુદ સે ઉપર ઉઠ કે ભી તું દેખ કભી
આલમ બેઠી હૈ તુજ પે ઉમ્મીદ લગાકર…!
આ શેરને સાર્થક કર્યો છે આજના આ લેખના કેન્દ્રમાં રહેલા રીંટુબેન કલ્યાણીએ. પરંતુ એ પહેલાં થોડી બીજી વાતો…
- Advertisement -
આપણે ત્યા સ્ત્રીઓ દ્વારા હાથ ધરવામાં આવતા ખાદ્ય ઉત્પાદન કે અન્ય વ્યવસાયમાં, તેના હેતુ વિશે સામાન્ય રીતે બે બાબતો જોવા મળે છે. ઉચ્ચવર્ગની સ્ત્રીઓ મોટાભાગે પ્રવૃત્તિમાં રહેવાં કે સમય પસાર કરવાં અથવા તો સમાજમાં સ્ટેટ્સ ઉભું કરવા અને જરૂરિયાત વાળા કુટુંબમાં આર્થિક ઉપાર્જન માટે સ્ત્રીઓ કાર્યરત થાય છે. મહેનત, ધગશ અને લગન હોવા છતાં મોટાભાગે આવા સાહસો ગૃહઉદ્યોગ બનીને રહી જાય છે. અથવા અમુક કિસ્સાઓમાં, ઘર, પતિ અને લાગતા વળગતા લોકો દ્વારા સકારાત્મક સહકાર ઉપરાંત આર્થિક સદ્ધરતા હોય તો આગળ જતાં એ જ વ્યવસાય બ્રાન્ડ તરીકે વિકસે છે ઘણું નામ પણ પ્રાપ્ત થાય છે. પણ એનાથી આગળ, ઘણું આગળ કશુંક ઓર અનેરું ત્યારે થઈ જાય કે એ વ્યવસાય માત્ર વ્યવસાય કે ગૃહઉદ્યોગ કે સફળ બ્રાન્ડ જ ન રહેતાં, આ બધાની કક્ષાથી ક્યાંય આગળ નીકળીને જનઅભિયાન તરીકે લેખાય અને લોકોના હ્ર્દય સુધી પહોંચી જાય, જ્યારે આ વ્યવસાયમાં કુનેહ, મહેનત, ધગશની ઉપરાંત તે કરવા પાછળના કારણોમાં માનવતાવાદી અને જનહિતલક્ષી સાત્વિક ઉચ્ચ આશયો ભળે.
આજે મારે ઉપર કહ્યું એવી જ એક નિરાળી વ્યક્તિ અને તેની નિરાળી પ્રવૃત્તી વિશે વાત કરવી છે. એમના વિશે વાત કરું તો, મુળ રાજકોટના અને હવે મુંબઈ સ્થિત રીંટુબેન કલ્યાણી રાઠોડ, એક પ્રશિક્ષિત કોમર્શિયલ ડિઝાઇનર કે જેમણે કલાકૌશલ્ય અને પ્રવિણતા માંગી લે એવી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં એમ.એસ. યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમર્શિયલ ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન અને પત્રકારત્વ-માસ કોમ્યુનિકેશન્સમાં માસ્ટર્સ કર્યું, જેમાં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા છે. વ્યવસાયે ડિઝાઈનર રીંટુજી પુત્રના જન્મ પછી ફુલટાઇમ મધર બની ગયા. પરંતું સતત કશુંક કરતા રહેવાની ધગશ અને કલા સૂઝવાળા તેઓ પોતાની ગમતી પ્રવૃત્તિથી દુર, નિષ્ક્રિય ક્યાં સુધી રહી શકે! એટ્લે તેમણે એ સમયે અંત:સ્ફુરણા અને હ્રદયનાં અવાજને અનુસરવાનું નક્કી કર્યું. ડિઝાઇનિંગ અને બેકિંગ, જૂનુન અને જુસ્સાની કક્ષાના તેમના આ બે શોખનું સંયોજન કરી, આ યુનિક કોમ્બિનેશન વડે તેમણે લોકોની કલ્પનાને વાસ્તવિકતામાં સાકાર કરે તેવા, કેક અને ચોકલેટના યુનિક,આર્ટિસ્ટીક, ડિઝાઇનર, જંબો સાઈઝડ, એડીબલ(ખાદ્ય) માસ્ટરપીસ બનાવવાનું શરૂ કર્યું. જેમાં તેઓ ખૂબ જ સફળ રહ્યા.
આ ઉપરાંત તેમના વ્યક્તિત્વના અનેક આયામો છે તેઓ જિજ્ઞાસુ પ્રવાસ શોખીન, એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયા, ભરતનાટ્યમ ડાન્સર, ખૂબ સારા ચિત્રકાર, પત્ની, માતા… અને શું શું…! જીવનરસથી ભરપૂર અને ભીતરે માનવતાથી ભર્યા રિંટુબેન આ બધી ઓળખો ઉપરાંત બહુ મોટી ઓળખ ધરાવે છે એ તે છે કે તેઓ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી, દયાળુ, માયાળુ, ખૂબ જ સારા, સંવેદનશીલ સાધુ સ્વભાવા વ્યકિત છે. તેમના આ માનવિય અભિગમ અને તેમની સદ્વૃત્તિ એ જ તેમને તદ્દન અનેરું કાર્ય કરવા અંગે પ્રેર્યા જેના થકી તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલકે વિશિષ્ટ ઓળખ મળી છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. એ પ્રવૃત્તિ એટલે, ગણપતિ સ્થાપનના ઉત્સવમાં સ્થાપન કરવા હેતુ ગણપતિની મૂર્તિઓ બને છે તે ચોકલેટમાંથી બનાવવાનો તેમણે તદન નવોને નિરાળો ચીલો પાડ્યો છે એ. અર્થાત્ ચોકલેટ વડે અથવા તો ચોકલેટના ગણપતીની મૂર્તિનું સર્જન કરવાના તેઓ પ્રણેતા છે. શરૂઆતમાં ચોકલેટનાં ગણપતિ અને ત્યારબાદ જુદા જુદા છ પ્રકારનાં, એટલે કે જેને દૂધમાં ઓગાળતાં, વિવિધ છ પ્રકારનાં વ્યંજનો બને એવાં ગણપતિ તેઓ બનાવે છે. જેમ કે, ખીર ગણપતિ, બાળકો માટેનાં ફાઈવસ્ટાર બારમાંથી પાંચ મિનિટમાં બનતા ગણપતિ, હલ્દીમિલ્ક ગણપતિ, અને આ વર્ષે તદ્દન નવી આવૃત્તિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ.
ચોકલેટમાંથી ગણપતિ બનાવવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો, એ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, હું જુહુ બીચ પર નિયમિત મોર્નિંગ વોકમાં જઉં ત્યારે ગણેશ વિસર્જન પછી આસપાસ વિખરાયેલી, સમગ્ર બીચ પર પથરાયેલી ટુટીફૂટી, બેહાલ, ગણેશ મૂર્તિઓ અને પ્રદૂષિત, દૂષિત, ગંદા દરિયાકિનારા જોઉં. આ દૃશ્ય મારા માટે અસહ્ય અને હૃદયસ્પર્શી હતું. પ્રખર ગણેશભક્ત અને પર્યાવરણ પ્રત્યે સભાન વ્યક્તિ હોવાથી હું આ બધું જોઈ શકતી ન હતી. એટલે મેં આ વિશે કંઈક કરવાનું નક્કી કર્યું. અને 2011થી ચોકલેટ ગણેશ બનાવવાનું શરૂ કર્યું. જેનું વિસર્જન દૂધમાં ઓગાળીને કરવામાં આવે છે અને આ દૂધ વંચિત-ગરીબ બાળકોમાં વહેંચી દેવામાં આવે છે.
હું તેમને માત્ર ઇકો ફ્રેન્ડલી જ નહીં પરંતુ હ્યુમિનીટી ફ્રેન્ડલી ગણેશ કહું છું કારણ કે તેઓ આપણા પર્યાવરણને કોઇપણ રીતે પ્રદૂષિત કરતા નથી. ઉપરાંત વંચિત બાળકોને તૃપ્ત કરે છે. દર વર્ષે દૂધનો પ્રસાદ સેંકડો વંચિત બાળકોને આનંદ આપે છે. આ રીતે બાપ્પાની દિવ્ય ચેતના, એ ઈશ્વરીય અંશ તેમની ભીતર ઉતરે છે.
2011થી આજ સુધીમાં તેમણે સેંકડો ચોકલેટ મૂર્તિઓ બનાવી છે અને હજારો લોકોને તે બનાવતાં શીખવ્યું છે. તેમજ તેમની પ્રેરણાથી આજે સેંકડો ઘરોમાં ચોકલેટ ગણપતિની સ્થપના કરવામાં આવે છે જેને વિસર્જન ઉપર કહ્યું તેમ દૂધમાં ઓગાળી એ દૂધ સેંકડો બાળકોને વહેંચવામાં આવે છે. ચોકલેટમાંથી ગણેશ બનાવવાની અનોખી કળા અને અનોખા અભિયાનમાં નવો આયામ ઉમેરી તેમણે 2018માં ડ્રાયફ્રુટ-મિલ્ક પાવડર-ખાંડેલા ચોખા- ખાંડ-કેસર વગેરેમાંથી ‘ખીર ગણેશ’ બનાવ્યા. જેનું વિસર્જન પણ દૂધમાં થાય છે અને તે ‘અમૃત’ તરીકે પ્રાચીન કાળથી આપણા મંદિરોમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે એવા સ્વાદની સ્વાદીષ્ટ ખીરનાં પ્રસાદમાં પરિણમે છે
ગયાં વર્ષે કોરોનાને અનુલક્ષીને તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારનાર પદાર્થોથી ભરપૂર એવા ‘હલ્દી દૂધ ગણપતિ’ બનાવવાનું નક્કી કર્યું છે. આ પાછળની તેમની ભાવના ગણપતિ બાપાની અમીનજર સાથે સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિના આશીર્વાદ મળે અને લોકોમાં ઇમ્યુનિટી માટેની સજાગતાનો સંદેશ દેવાની છે. હળદર, મિલ્ક પાવડર, મિસરી, તજ, એલચી, મરીના દાણા, લવિંગ, સૂંઠ પાવડર, ગુલાબની પાંખડીઓ, કેસર વગેરે જેવા રોગપ્રતિકારક શક્તિ વધારનાર મસાલાથી બનેલા, ગણપતી બાપ્પાનું જ્યારે દૂધ અથવા પાણીમાં વિસર્જન થાય છે ત્યારે તે દિવ્ય, સ્વાદિષ્ટ અને સ્વસ્થ હળદર દૂધમાં ફેરવાય છે. હલ્દી ગણપતિ આપણા શાસ્ત્રોમાં હરિદ્રા ગણપતિ તરીકે ઓળખાય છે. આ વર્ષે તેઓ બે નવી આવૃત્તિ, પંચામૃત ગણપતિ અને રોઝમિલ્ક ગણપતિ બનાવવા જઇ રહ્યા છે. તમિલનાડુના પ્રખ્યાત પલાની મંદિરમાં બનાવવામાં આવતાં પંચામૃતથી પ્રેરિત થઈ આ વખતે કેળા, ખાંડસરી, ખજૂર, મધ, કિસમિસ (કિસમિસ), ઘી, એલચી, ખાદ્ય કપૂર વગેરે વડે પંચામૃત ગણપતિ બનાવ્યા છે. અને ગુલાબની પાંખડીઓ, ગુલાબજળ, ખાંડ, દૂધ પાવડર, ગુલાબનું શરબત, તુલસીના બીજ વગેરે વડે રોઝમિલ્ક ગણપતિ બનાવ્યા છે.
રીંટુબેન ઓનલાઈન/ઓફલાઈન વર્કશોપ ક્ધડક્ટ કરે છે અને આજ સુધીમાં પિસ્તાલીસ દેશોના હજારો લોકોને તેઓ ચોકલેટ, ખીર તેમજ ઉપર જણાવ્યું તેવા વિવિધ પ્રકારના ગણપતિ બનાવવાનું શીખવી ચૂક્યાં છે. ગણપતિ બાપાની મુર્તિ તેઓ પંદર જૂદી જૂદી ડિઝાઈનસ અને સાઈઝમાં બનાવે છે. વિવિધ રંગછટાઓ અને કલાત્મક સૂઝથી બનેલી તેમની મૂર્તિઓ આર્ટિસ્ટિક માસ્ટરપીસ જેવી સુંદર સાત્વિક અને દિવ્યતાની અનુભૂતિ કરાવનારી હોય છે.
ફૂડ આર્મી ફાઉન્ડર
ચોકલેટ ગણેશ ઉપરાંત તેમની સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો એવો તેઓએ 2014માં ‘ફૂડ આર્મી’ નામના સેવાકીય સંગઠનની સ્થાપના કરી છે. આ જૂથ જુદા જુદા રાજ્યોમાં કુદરતી આફતો કે હોનારતો વખતે લોકોને રાંધેલો ખોરાક મુખ્યત્વે, થેપલા તેમજ અનાજ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ નેપાળ, કાશ્મીર, મહારાષ્ટ્ર, કેરાલા,મુંબઈ વગેરે સ્થાનો પર કુદરતી આફતોના સમયે નોંધપાત્ર મદદ કરી છે. આ ઉપરાંત પીડિતોને પ્રાથમિક સારવાર કીટ, રાશન, દવાઓ, કપડાં વગેરે પણ પહોચાડી છે. આ ઉપરાંત મદદની અન્ય પ્રવૃત્તિઓ પણ નર્યા સેવાભાવ રાખી લેશમાત્ર આર્થિક વળતર વગર કરે છે. આ વર્ષે આસામનાં પૂરપીડિતો માટે પ્રોજેકટ હાથ કર્યો. રીંટુબેન કહે છે કે, દેશ માટે સરહદ પર લડવા તો જઈ નથી શકવાના તો ઘરે બેસી ને દેશ માટે કંઈ તો કરીએ, આપણા દેશવાસીઓને એમના મુશ્કેલ સમયમાં આપણાથી થતી મદદ. અમારા માટે તો આ જ દેશપ્રેમ છે,
પ્લાસ્ટિક અપ સાઇકલિંગ પ્રોજેકટ
રીંટુબેને પર્યાવરણને પ્લાસ્ટિકના જોખમો તેમજ તેના નુકશાનોથી બચાવવા માટે પહેલી જાન્યુઆરી 2021ના રોજ પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યાં પ્લાસ્ટિક આવ્યા બાદ તેને સાફ કરી સ્વચ્છ કરવામાં આવે છે અને જરૂરિયાત વાળી બહેનોને રોજગારી પણ મળી રહે એટલે તેમને તેમાંથી ચટાઈ તેમજ ગાદલાં બનાવવાનું કામ તેમને સોપવામાં આવે છે. ગાદલાના રૂપમાં અપ-સાઇકલિંગ કર્યા બાદ તેને જરૂયિાતમંદોને વહેંચી દેવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યેના પ્રેમે જ એમને નેચરોપથી શીખવાની પ્રેરણા આપી અને હમણાં જ સાડા ત્રણ વર્ષનો ગઉઉઢના કોર્સમાં બાણું ટકા સાથે ઉતીર્ણ થયાં છે. મારુ ધ્યેય એ છે કે,વઅલગ અલગ ખાદ્ય ગણપતિ બનાવવાનું, નાના બાળકો ને એક દિવસ માટે તો એક દિવસ માટે પણ અગલ અલગ જાતના દૂધનો પ્રસાદ મળે. એક દિવસ માટે એ લોકોને આનંદ મળે. બાળકો ખુશ થાય અને પર્યાવરણની જાળવણી થાય. વિચારો, જ્યારે હજારો લોકો આ રીતે બાળકોને દૂધ આપે અને આ રીત બધા જ તહેવારોમાં અપનાવવામા આવે તો પરિસ્થિતિમાં કેટલો ફર્ક પડી જાય! લોકોમાં અન્ય પ્રત્યે દયાની ભાવના જાગૃત થાય. છેવટે તો , ખરેખરો તહેવાર અને સાચી ઉજવણી એ જ છે કે જ્યારે આપણા દેશનો એકપણ નાગરિકને ભૂખ્યા ન સૂવું પડે!
કોમર્શિયલ ડિઝાઇનરથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચોકલેટ ગણેશમેકર સુધી, અને વચ્ચે વચ્ચે ફુડ આર્મી’ અને પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્રોજેક્ટ’ જેવા સકારાત્મક સુખદ ઉમેરણ વાળી તેમની યાત્રા કેવી રહી એ વિશે પૂછતાં તેઓ કહે છે કે, લગ્ન થયા ત્યારે ચા પણ બનાવતા ન આવડતી અને આજે આંતરરાષ્ટ્રીય ચોકલેટ ગણેશમેકર સુધીની મારી યાત્રા ખૂબ જ રસપ્રદ, રોમાંચક ઉલ્હાસપૂર્ણ રહી છે, સતત આનંદ અને બમણા ઉત્સાહથી કામ કરતી રહી છું. તેમની આ યાત્રા દરમિયાન આવેલી મુશ્કેલીઓ વિષે પૂછતાં તેઓ કહે છે કે માર્ગમાં આવેલી અડચણને તેઓ મુશ્કેલી નહીં પણ ઉપર ચડવાનું વધુ એક પગથિયું ગણીને હંમેશાં આગળ વધતા રહીને આજની સ્ત્રીઓને સંદેશ આપે છે કે નિરાશ થઈ કશું પડતું ન મૂકી દેશો. તમારી પાત્રતા કરતાં ઓછું સ્વીકારીને જાત સાથે સમાધાન ન કરો. યાદ રાખો, પરિવર્તન તમારાથી શરૂ થાય છે. તમે દુનિયામાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો! આ તેમનું આદર્શ વાક્ય છે.
ઉપરોક્ત તમામ બાબતોમાંથી પસાર થઈએ ત્યારે બે સત્યો સામે આવે છે. પહેલી, રીંટુબેનની તમામ પ્રવૃત્તિમાં ભારોભાર માનવતા છલકાય છે. માત્ર અને માત્ર પ્રકૃતિ પ્રત્યે સજાગતા, સેવા અને કરુંણાનો ભાવ એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવે એવા નાવીન્યકરણના પ્રણેતા બનવા સુધી દોરી ગયો એ એમની માનવતાનો પડઘો પણ, ભગવદ્દ કૃપા પણ! સ્ત્રી જ્યારે સમગ્ર જગત વિશે કરુણા દાખવે એમાં સામાજિક કે નૈતિક જવાબદારી ઉપરાંત માતૃત્વના કૃણાભાવ ભળે છે, એ બધાની મા થઈને વિશ્વની ચિંતા સેવે છે. જેના થકી જગતને ફક્ત મદદ જ નહીં પણ વાત્સલ્યસભર હૂંફ મળે છે. જે રીંટુબેન અને એમને અનુસરીને અનેક સ્ત્રી-પુરુષો એમની સાથે જોડાયા છે તે સૌ પુરી પાડી રહયા છે. સુખી સંપન્ન ઘરની મહિલાઓ માટે રીંટુબેન રોલમોડેલ સમાન છે કે, કિટ્ટીપાર્ટીઓ, લાલી લિપસ્ટિક કે નેઇલપોલિશની બહાર પણ એક બહુ મોટી દુનિયા છે જેને તમારી ખૂબ જરુર છે. ઈશ્વરે તમને સાધન સંપન્ન બનાવીને ઘર ચલાવવાની જવાબદારીની ચિંતામાંથી મુક્ત રાખ્યા છે તો એ સમય વેડફી ન નાખતાં ઈશ્વરના અન્ય દુ:ખી સંતાનો માટે વાપરવો જોઈએ. વળી, બાળકના જન્મ પછી કંઈ જ નથી કરી શકાતું, ઘર પકડીને બેસવું પડે છે એવી ફરિયાદો હમેશા મહિલાઓને રહેતી હોય છે ત્યારે, મહિલા ધારે તો શું શુ કરી શકે એ રીંટુબેને દેખાડ્યું છે.
બીજું,
આપણે ત્યાં અરસાથી ગણપતિ અથવા તહેવારો અનુસાર અન્ય દેવી દેવતાની મૂર્તિઓ બને છે જેની કિંમત હજારો રુપિયામાં હોય છે અને એના નિયત મુદતના પૂજન બાદ ગણતરીના દિવસોમાં જ એને નદી તળાવ કે દરિયામાં વિસર્જિત કરી દેવાય છે!જેના થકી દરિયા કે નદી તળાવના પાણીને પ્રદુષિત થતા અટકાવવા આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવા સુધી તો થોડા ઘણા અંશે પહોંચ્યા પણ તેમ છતાં એ ખૂબ જ ઓછા અંશે અનુસરાય છે. આ પરિસ્થિતિમાં પર્યાવરણ પણ અને પરંપરા પણ જળવાઇ રહે ઉપરાંત જંગી નાણાકીય વ્યય ન થતાં, એ જ નાણાં કોઈની ભૂખ ભાંગવા વપરાય એનાથી વધુ સારો, વધુ ભગવદ્દ વિકલ્પ શુ હોય શકે! બસ, આવો જ વિકલ્પ સૌ પ્રથમ વાર રીંટુબેન લઈને આવ્યા છે ત્યારે ફક્ત ગણપતિ જ શુ કામ, દરેક તહેવારોમાં જ્યાં જ્યાં મૂર્તિ વિસર્જિત કરવાની હોય એ સઘળાને ચોકલેટ અને એ સિવાયના શક્ય ખાદ્ય પદાર્થો વડે કેમ ન બનાવી શકાય!(સૌને આશા છે કે રીંટુબેન આ ક્ષેત્રે હજુ નવા નવા વિકલ્પો રજૂ કરશે જ) વિવિધ ભગવાનોની જાહેર સ્થાપનાના મોટા મોટા આયોજનો કરનાર સંગઠનો ખૂબ જ જંગી સાઈઝની, લાખો રૂપિયાની મૂર્તિઓની સ્થાપના કરતા હોય છે. એ સઘળાં જો આવા વિકલ્પને અનુસરે તો તહેવારોનો આનંદ, એને પામનાર એવા વંચીત બાળકોમાં વધી જાય.