ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
દેવયાનીબહેને વર્ષોની વાટ જોયા બાદ અને એ દરમિયાન લગ્ન કરવાની ઈચ્છાને પણ દબાવી રાખ્યા બાદ એમના અમેરિકામાં રહેતા અમેરિકન સિટિઝન બની ચૂકેલા ફાધરે ‘ફેમિલી ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ જે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા અને અમેરિકામાં દાખલ થયાં અને ગ્રીનકાર્ડ મેળવ્યું. અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું ઈમિગ્રન્ટ વિઝાના બધા જ ઉમેદવારોને જણાવતું હોય છે કે તમે ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશવાના છો, પણ જ્યાં સુધી વિઝા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી સ્વદેશની માલમિલકત વેચી નાખતા નહીં. આ શિખામણને ધ્યાનમાં લઈને દેવયાનીબહેને એમનો અમદાવાદનો બે બેડરૂમનો ફ્લેટ વેચ્યો નહોતો. બેન્ક એકાઉન્ટ ક્લોઝ કરાવ્યું નહોતું. મ્યુચ્યુઅલ ફંડમાં તેમ જ શેરોમાં જે રોકાણ કર્યું હતું એ પાછું ખેંચી લીધું નહોતું. એમની જે ચાર બંગડીવાળી ગાડી હતી એ, તેમ જ ઘરની ઘરવખરીઓ ફ્રીજ, ટીવી, એર કન્ડિશન, વાસણો, કબાટો, ફર્નિચર એ સઘળું જેમનું તેમ રહેવા દીધું હતું. તેઓ એક શાળામાં વાઈસ પ્રિન્સિપાલ તરીકે કામગીરી બજાવતાં હતાં. એમાંથી રાજીનામું આપીને એમણે છૂટ્ટી મેળવી નહોતી. અમેરિકામાં દાખલ થયા બાદ મહિનામાં જ તેઓ ફરી પાછા અમદાવાદ આવી પહોંચ્યા. ગ્રીનકાર્ડ મળી ગયું છે એટલે બધી પ્રોપર્ટીઓ માલમિલકત એમણે વેચવા કાઢી. પણ એમ કંઈ ચપટી વગાડતાંમાં એ બધું વેચાઈ થોડું જાય. સ્કૂલમાં જ્યારે રાજીનામું મૂકવાની વાત કરી ત્યારે એમની લોકપ્રિયતાના કારણે સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓએ એમને રાજીનામું આપવાની ના પાડી અને જણાવ્યું કે તમે ભલે ગ્રીનકાર્ડ મેળવ્યું હોય, પણ છ મહિના અમેરિકામાં રહેજો અને છ મહિના અહીં સ્કૂલમાં આવજો. દેવયાનીબહેનને આવા દબાણને વશ થવું પડ્યું. નવ મહિના પછી તેઓ ફરી પાછાં અમેરિકા ગયાં. બોર્ડરના ઈમિગ્રેશન ઓફિસરે એમને ચેતવણી આપી કે એક ગ્રીનકાર્ડધારક તરીકે તમારે આટલો લાંબો સમય અમેરિકાની બહાર રહેવું ન જોઈએ. તમારો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો હોવો જોઈએ. એ પછી તો દેવયાનીબહેને છ મહિના અમેરિકામાં અને છ મહિના ઈન્ડિયામાં આમ આવ-જા કરવા માંડી. અમેરિકામાં તેઓ એમના ફાધરની સાથે રહેતાં હતાં અને એમનો જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો એમાં કામ કરતાં હતાં.
- Advertisement -
ફાધરનો જ સ્ટોર હતો એટલે એમને રેગ્યુલર પગાર આપવામાં નહોતો આવતો. તેઓ જરૂર પડે ત્યારે પિતા આગળથી પૈસા માગી લેતાં. એમના ઘરે જ રહેતાં હતાં એટલે ખાવા-પીવાની અને અન્ય પરચૂરણ ખર્ચાની એમને જરૂરત નહોતી. બે-ત્રણ વાર એમણે આવું છ-છ મહિને દેશ બદલ્યો એટલે ચોથી વારે બોર્ડર પરના ઈમિગ્રેશન ઓફિસરે, ‘તમે અમેરિકામાં કાયમ રહેવા નથી માગતાં. ત્રણ વર્ષથી ગ્રીનકાર્ડ ધરાવો છો, પણ અમેરિકામાં કંઈ પણ કામ નથી કરતાં. ટેક્સ નથી ભરતાં. તમારું પોતાનું ઘર પણ નથી, બેન્કમાં ખાતું પણ નથી, કોઈ વાહન પણ નથી, જ્યારે ઈન્ડિયામાં તમે સ્કૂલમાં ટીચર છો, વાઈસ પ્રેસિડન્ટ છો, તમારો ફ્લેટ છે, ગાડી છે, ઈન્વેસ્ટમેન્ટ છે એટલે તમારો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો નથી, તમે તમારા ગ્રીનકાર્ડનો અમેરિકામાં આવવા-જવા માટેના ‘પાસ’ તરીકે ઉપયોગ કરો છો. આ કારણસર હું તમારું ગ્રીનકાર્ડ પાછું ખેંચી લઉં છું.’ દેવયાનીબહેનની જેમ અનેક ગ્રીનકાર્ડધારકો અમેરિકામાં કાયમ નથી રહેતા અને ખરેખર તેઓ એમના ગ્રીનકાર્ડનું એક પાસ તરીકે, અમેરિકામાં આવવા-જવા માટે, ઉપયોગ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કરશે ત્યાર બાદ તેઓ આવી બાબતમાં ઈમિગ્રેશન ઓફિસરોને વધુ કડક વલણ અખત્યાર કરવાનું કહેશે એ ધ્યાનમાં રાખજો. જો ખરેખર અમેરિકામાં રહેવું હોય, ગ્રીનકાર્ડ ધરાવવું હોય તો છ મહિના અમેરિકામાં અને છ મહિના ભારતમાં એવું આવન-જાવન નહીં કરતા. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટ પાસેથી તમે ખરેખર અમેરિકામાં રહેવા ઈચ્છો છો, એ દર્શાવવા માટે તમારે કેવાં કેવાં પગલાં લેવાં જોઈએ? શું શું કરવું જોઈએ? એ સઘળું જાણી લેજો.