રથયાત્રાના રૂટ પર વિવિધ મંડળો પુષ્પવર્ષા કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તા. 15-2-26 રવિવારના રોજ સનાતન હિંદુ ધર્મ શિવરથયાત્રાનું દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવરથયાત્રા સમિતિ દ્વારા સતત 14માં વર્ષે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની શિવરથયાત્રામાં મુખ્ય રથમાં નેપાળ સ્થિત ભગવાન પશુપતિનાથનું પ્રતીકરૂપ 2 ફૂટ ઊંચું શિવલિંગ બિરાજમાન થશે. તેની સાથે 12 જ્યોતિર્લિંગના ફ્લોટ્સ સામેલ રહેશે. સાથે અયોધ્યા શ્રીરામ મંદિર અને દ્વારકાધીશ મંદિરની ઝાંખી લોકોને જોવા મળશે. પોરબંદરની પ્રખ્યાત તલવાર રાસ મણિયારોની મંડળી, જયપુરથી આવેલ અઘોરી રાસ મંડળી, થાનની રાસ મંડળી, સીદી બાદશાહ ધમાલ નૃત્ય, રાજકોટ ખેરડી સ્થિત વિખ્યાત ગોપાલ ગૌશાળાની લોકરાસ મંડળની 250 ખેલૈયાઓ રમઝટ બોલાવશે તેમજ હાથી, 20 ઘોડા તેમજ બગીઓ, 1000 બાઈક અને 300 કાર ભાગ લેશે. વિવિધ સામાજિક સંસ્થાઓના ધાર્મિક તેમજ દેશહિતને લગતા વિવિધ ફ્લોટ્સ અને સાંસ્કૃતિક ઝાંખીઓ નિહાળવાનો લ્હાવો રાજકોટની ધર્મપ્રિય જનતાને મળશે. સનાતન હિંદુ ધર્મ શિવરથયાત્રા કોઠારીયા રોડ સ્થિત શ્રી કમલેશ્ર્વર મહાદેવ મંદિરથી બપોરે 2 વાગ્યે પ્રસ્થાન થઈને સોરઠીયાવાડી, ભક્તિનગર સર્કલ શ્રી ધારેશ્ર્વર મંદિર, ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, શ્રી જાગનાથ મંદિર, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, સદર બજાર મેઈન રોડ, જ્યુબિલી ચોક પરથી પસાર થશે અને હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. આ અલૌકિક શિવરથયાત્રામાં રુદ્રાભિષેક કરેલા રુદ્રાક્ષના પારાનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે. ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે સનાતન હિંદુ ધર્મ શિવરથયાજ્ઞાની મહાઆરતી કરીને મહાપ્રસાદ બાદ સમાપન થશે. ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, ભાવેશગિરિ નટવરગિરિ, સુરેશગિરિ શાંતિગિરિ, અજયવન રમેશવન, વિશાલભારથી હિંમતભારથી, હરેશભારથી હસમુખભારથી, ગૌરવભારથી વિજયભારથી, આશિષપુરી મગનપુરી, સંજયગિરિ રાજેન્દ્રગિરિ, અમિતગિરિ રાજેશગિરિ, કૈલાસગિરિ હંસગિરિ, યુગગિરિ કૈલાસગિરિ, હાર્દિક જાવિયા, ગૌરવભારથી વિજયભારથીએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ રથયાત્રાની માહિતી વર્ણવી હતી.



