મુખ્ય ધર્મરથમાં બારમાં જ્યોર્તિર્લિંગ દાદા ધુષ્ણેશ્ર્વર બિરાજમાન થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
આગામી મહાશિવરાત્રિ તા. 26 ને બુધવારના રોજ આ પાવન પર્વને ઉજવવા શ્રી દશનામ ગોસ્વામી સમાજ, શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા આયોજિત સનાતન હિંદુ ધર્મ શિવ રથયાત્રાનું સતત 13માં વર્ષે આયોજન થવા જઈ રહ્યું છે.
- Advertisement -
આ મહાયાત્રાની રાજકોટ તેમજ રાજકોટની આજુબાજુના તમામ વિસ્તારના ધર્મપ્રેમી લોકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આવી વિશાળ લોકચાહના ધરાવતી શિવજીની યાત્રાને ભવ્ય બનાવવામાં શિવ રથયાત્રા સમિતિ ક્યારેય કોઈ કચાશ રાખતી નથી. આ વર્ષે યાત્રાના મુખ્ય ધર્મરથમાં બારમી જ્યોર્તિર્લિંગ એવા દાદા ધુષ્ણેશ્ર્વર બિરાજમાન થશે. દાદાને રીઝવવા વિવિધ ધર્મસભર કાર્યક્રમો થશે. આ મહાયાત્રામાં રાજસ્થાની લોકનૃત્યકારો, નાસિક ઢોલ મંડળી, રામ દિવાના જાકે ગ્રુપ જયપુર (રાજસ્થાન), થાનની પ્રખ્યાત રાસ મંડળી, અઘોરીના પહેરવેશમાં શિવગણો તેમજ દેશ આખામાં વિખ્યાત એવી ગોપાલ ગૌશાળા ખેરડીના કલાકારો મહાદેવને રીઝવવા પોતાની કૃતિઓ રજૂ કરશે. હાથી, ઘોડા અને ઊંટની સવારીઓ સાથે ચાલશે. લાઈટીંગવાળી ઈલેક્ટ્રિક છત્રીઓ સાથે યાત્રામાં અનેરી ઝગમગાટ જોવા મળશે. વિશેષરૂપે તૈયાર કરાયેલ મુખ્ય રથ સાથે દાદાના બાર જ્યોર્તિર્લિંગના દર્શનનો લહાવો મળશે. હજારોની સંખ્યામાં યુવા બાઈકસવારો અગ્ર હરોળમાં રહેશે. નાના-મોટા સૌ કોઈ દાદાના સાનિધ્યમાં પગપાળા ચાલતા ધન્યતાનો અનુભવ પ્રાપ્ત કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના ધાર્મિક તેમજ સામાજિક ફ્લોટ્સ તો ખરા જ. આવી ભવ્ય, દિવ્ય અને અદ્ભુત શિવ રથયાત્રામાં જોડાવા શિવ રથયાત્રા સમિતિએ અનુરોધ કર્યો છે.



