યુવતી સાથે ઈન્સ્ટાગ્રામમાં પરિચયમાં આવ્યા બાદ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ પંચાસર રોડ ઉપરથી અપહરણ કરીને નરાધમે જઘન્ય કૃત્યને અંજામ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પંચાસર રોડ ઉપરથી મોરબી ગ્રામ્ય વિસ્તારની વતની ત્યકતા યુવતીનું અપહરણ કરી નાના દહીંસરા ગામે વાડીએ લઈ જઈને ઈરફાન નામના વિધર્મી શખ્સે છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના અતિ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લેનાર યુવતી સાથે નાના દહીંસરા ગામનો ઇરફાન અલીભાઈ સુમરા ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવ્યો હતો અને આ પરીચય ગાઢ બનતા બંને વચ્ચે વાતચીત અને વિડીયોકોલનો સિલસિલો ચાલ્યો હતો જે બાદમાં યુવતીના ભાઈને સમગ્ર હકીકતની જાણ થતા યુવતીએ ઇરફાન અલીભાઈ સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબી ખાતે ભાઈ સાથે રહેવા લાગી હતી.
- Advertisement -
બીજી તરફ ત્યકતા યુવતીએ સંબંધો કાપી નાખતા રઘવાયા બનેલા ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી ઈન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી યુવતીનું મોરબીના પંચાસર રોડ ઉપરથી ગુરુવારે અપહરણ કરી નાના દહીંસરા ગામે આરોપી ઇરફાને તેના મામાની વાડીએ લઈ જઈને છરીની અણીએ દુષ્કર્મ ગુજારવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર મામલો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ધ્યાને આવતા યુવતીના પરિવારજનોને હિંમત આપતા અંતે આ બનાવમાં નાના દહીંસરા ગામના વિધર્મી શખ્સ ઇરફાન અલીભાઈ સુમરા (ઉં.વ. 27) વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને આઇટી એકટ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
નાના દહિંસરા ગામે આરોપીનું ઘર સળગાવાયુ, 15 વિરૂદ્ધ ફરિયાદ
માળીયાના નાના દહીંસરા ગામના યુવાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બનાવ બાદ ઉશ્કેરાયેલ લોકોએ આરોપીના રહેણાંક મકાનમાં તેમજ સીએનજી રિક્ષામાં આગ ચાંપી દીધી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી. આ મામલે આરોપીના બહેને માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, તેણીનો ભાઈ યુવતીને ભગાડી ગયેલ હોય તે બાબતનો ખાર રાખી નાના દહિંસરા ગામે રહેતા આરોપી ચતુર લાલજીભાઈ ભટાસણા, ધવલ ચતુરભાઈ ભટાસણા, ભુદર લાલજીભાઈ ભટાસણા, મયુર ભુદરભાઈ ભટાસણા, મનિષ ભુદરભાઈ ભટાસણા, ભરત કાંતિલાલ ભટાસણા, રમેશ છગનભાઈ ભટાસણા, બ્રિજેશ મહાદેવભાઈ હિરાણી, વિશાલ વાલજીભાઈ ભટાસણા, દિવ્યેશ અમૃતભાઈ ભટાસણા, પ્રયાગ રમેશભાઈ ભટાસણા તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા લોકોએ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેમના રહેણાંક મકાને આવી ગાળાગાળી કરી આજે તો ઈરફાનને પતાવી દેવો છે કહી સાથે પ્લાસ્ટિકની બોટલમાં લાવેલ પેટ્રોલ છાંટી ઘરમાં તેમજ ઘર બહાર પડેલી સીએનજી રિક્ષામાં આગ ચાંપી દેતા ઘરનું રાચરચીલું તેમજ ફર્નિચર અને સીએનજી રીક્ષા આગમાં ખાખ થઇ જતા અંદાજે ચારેક લાખનું નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.