ખાસ-ખબર સંવાદદાતા
શિયાળામાં તાજાં શાકભાજીની ઉપજ અને કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં આવકમાં ખાસ્સો વધારો થઈ જતાં કોબી, ફ્લાવર, રિંગણ, ભઠ્ઠા, વટાણા સહિતના શાકભાજીના ભાવ હોલસેલ બજારમાં કિલોદીઠ ભાવ રૃા. 5થી 15ની રેન્જમાં આવી ગયા છે. કોબી અને ફ્લાવરની આવક ખાસ્સી વધી જતાં તેના કિલોદીઠ ભાવ રૂ. 5થી 7 આસપાસ જ ખેડૂતોને મળી રહ્યા છે. ઓણસાલ ચોમાસુ સારુ ગયું હોવાથી વાલોળ, પાપડી, તુવેર, દેશી મરચાં, ગોલર મરચાં, મેથી, કોથમીર, લીલી ડુંગળી, રિંગણ, ભટ્ટા, રવૈયા, કોબી અને ફ્લાવર તથા દૂધીના કિલોદીઠ હોલસેલના ભાવ રૂ. 10થી 12ની આસપાસ જ થઈ ગયા છે. જોકે ખેડૂતોને તો તેનાથીય ઓછા ભાવ મળી રહ્યા હોવાથી થોડી હતાશા જોવા મળી રહી છે. લગ્નની સીઝન હોવા છતાં આ તમામ શાકભાજીની ડીમાન્ડ બહુ વધી ન હોવાથી ખેડૂતોને વાજબી ગણાય તેટલા ઊંચા ભાવ પણ મળતા નથી. આ વરસે હોલસેલ માર્કેટમાં કોબીના કિલોદીઠ ભાવ રૂ. 2.60થી 4.50 કે રૂ. 5ની આસપાસના જ છે. પરંતુ છૂટક બજારમાં કોબીના કિલોદીઠ ભાવ રૂ. 20થી 30ના છે. આમ પહેલા હોલસેલર્સ અને ત્યારબાદ છૂટક વેપારીઓ મળીને તેના પર અંદાજે 300થી 400 ટકા ભાવ ચઢાવીને પછી બજારમાં વેચી રહ્યા છે.
હોલસેલ-છૂટક બજારના કિલોદીઠ ભાવ
શાકભાજી હોલસેલ છૂટકરૂા.
દૂધી 4થી 8 20થી 30
ટામેટા 4થી 8 20
વટાણા 20-25 40-45
લીલી ડુંગળી 6થી 9 30-35
બટાકા 7થી 11 20-25
વાલોળ 8થી 12 40-45
રિંગણ 3થી 7 20થી 30
કોબી 2.60થી4 20-30
રવૈયા 8થી 20 30થી 35
ભુટ્ટા 3થી 8 30થી 40
બટાકા 8થી 12 20થી 25