મોરબી પોલીસનું દિલધડક ઓપરેશન
વાંકાનેર સિટી પોલીસ અને LCB ટીમની કાબીલેદાદ કામગીરી: પ્રાણઘાતક હથિયારો જપ્ત
- Advertisement -
વાંકાનેરમાં પ્રેક્ટિસ કરતા અમદાવાદના ડૉક્ટર પાસેથી નાણાં ન નીકળે તો આ ગેંગ ડૉક્ટરને ઉઠાવી લેવાની હતી
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ગુજરાત અને ગુજરાત બહારના ગુનેગારોની એક ટોળકી રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં ગુન્હો આચરવા માટે ફરી રહી છે જે વાંકાનેરમાં પ્રેક્ટિસ કરતા મૂળ અમદાવાદના આયુર્વેદિક ડોક્ટરને લૂંટી લેવા બંદૂક, છરી સહિતના હથિયાર સાથે કાળા કલરની બે સ્કોર્પિયો ગાડીમાં આંટાફેરા કરે છે જેથી આ બાતમી અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબી એલસીબી ટીમને જાણ કરીને આ ખૂંખાર ગેંગને ઝડપી લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા તે દરમિયાન વાંકાનેર રાજકોટ રોડ ઉપર ગોકુલનગર સોસાયટી સામે આ ગેંગ હોવાની માહિતી મળતા પોલીસે બે કાળા કલરની સ્કોર્પિયો કારને અટકાવી કોર્ડન કરી લેતા બંને સ્કોર્પિયો કારમાંથી પ્રાણઘાતક હથિયારો સાથે કુખ્યાત ગેંગ મળી આવી હતી. પોલીસે સ્કોર્પિયો કારમાં બેઠેલા આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. પીપરડી, તા. જામ કંડોરણા, જી. રાજકોટ), સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે (રહે. અમદાવાદ, મણીનગર, હાટકેશ્વર, મુળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર), રાજેશ કેદારપ્રસાદ રામાણી (રહે. મલાડ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. ગોરખપુર, ઉત્તરપ્રદેશ), સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ (રહે. ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ), વિશાલ નારાયણ સોનવણે (રહે. અમદાવાદ, મુળ રહે. જલગાવ, મહારાષ્ટ્ર), વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા (રહે. ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. ભદોઇ, ઉત્તરપ્રદેશ) અને અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ (રહે. ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ) તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને દબોચી લીધા હતા. આ દરમિયાન તમામ આરોપીઓ પૈકી રાજકોટના જામકંડોરણાના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ વાંકાનેરમાં આયુર્વેદિક દવાની પ્રેક્ટિસ કરતા ડોક્ટરને લૂંટવા માટે કાવતરું ઘડી કાઢી આ તમામ આરોપીઓ સાથે મળી ગુન્હાને અંજામ આપવા માટે યોજના ઘડી હતી અને જો ડોક્ટર પાસેથી નાણાં ન નીકળે તો ડોક્ટરનું અપહરણ કરીને ખંડણી પડાવવા માટે આ ગેંગે કાવતરું રચ્યું હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું તો બીજી તરફ પોલીસે આરોપીઓની તલાસી લેતાં દેશી બનાવટની બે પિસ્તોલ, છ જીવતા કારતુસ, છરીઓ અને ધોકા સહિતના હથિયારો મળી આવતા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહીત આઠેયને ગિરફ્તમાં લઈને બે સ્કોર્પિયો કાર સહીત કુલ રૂ. 25,52,400 નો મુદામાલ કબ્જે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.