સમયસર ફાયરબ્રિગેડની કામગીરીથી મોટી જાનહાનિ ટળી; દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. દિવાનપરામાં બે દિવસ પહેલા એક વ્યક્તિનું કરુણ મોત નિપજાવનારી ઘટના બાદ, આજે વહેલી સવારે શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ધારેશ્વર ડેરીમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. સદનસીબે, ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસર કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
આજે બુધવારે સવારના 6:40 કલાકના અરસામાં ધારેશ્વર ડેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વહેલી સવાર હોવા છતાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડની 2 ટીમો તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. ડેરી પ્રોડક્ટ્સને કારણે આગ વધુ પ્રસરવાની શક્યતા હોવા છતાં, ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને આગને આગળ વધતી અટકાવી દીધી હતી. અંદાજે 8 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશનમાં દોઢ કલાકથી વધુનો સમય લાગ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે ડેરીમાં રહેલા સામાન અને મશીનરીને મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો (શોર્ટ સર્કિટ કે અન્ય ખામી) જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તહેવારોના સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે વેપારીઓ અને નાગરિકોને વધુ સતર્ક રહેવા ફાયર વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.