અહેવાલ પ્રકાશિત થયા બાદ ભોગ બનનાર વ્યક્તિએ ‘ખાસ-ખબર’ સાથે વાતચીત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશભરમાં એક એક મિનિટે લોકો સાથે ફ્રોડ થતું હશે તેવું કહેવું મિથ્યા તો નથી જ. આવા જ એક ફ્રોડનો પર્દાફાશ થયો છે. સુરતના ડાયમંડ કિંગ અને રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા બનીને એક નકલી વ્યક્તિ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે વધુ એક રાજકોટના એક વ્યક્તિને આ ફ્રોડનો શિકાર બનાવવાનું કાવતરું આ નકલી ધોળકિયાએ કર્યું હતું. આવા કેટલાય લોકોને વધુ પૈસાની લાલચ આપી ફ્રોડ કરવામાં આવી રહ્યો છે.
આજરોજ ભોગ બનનારે ‘ખાસ-ખબર’ની મુલાકાત લીધી અને આપવીતી જણાવી હતી. ભોગ બનનારે કહ્યું કે મને વ્હોટ્સએપ પર આજથી પાંચ દિવસ પહેલાં કોલ આવ્યો. આ કોલ ઉમેશ પાંડેએ કર્યો હતો. જેણે કહ્યું કે હું ઓલ્ડ કોઈન કંપનીમાંથી ઉમેશ પાંડે બોલું છું, 600 રૂપિયા જમા કરાવો, અમે તમને 11 લાખ રૂપિયા આપીશું. આમ આવા અનેક લોકોને નકલી ધોળકિયા બની ફસાવતો હોવાનું સામે આવ્યું છે ત્યારે શહેરની ભોળી જનતા આવી લાલચમાં ન ફસાય તે માટે ‘ખાસ-ખબરે’ આ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે.
‘ખાસ-ખબર’નો આભાર માનતા ગોવિંદભાઈ ધોળકિયા
રાજ્યસભાના એમ.પી. ગોવિંદકાકાના નામે જૂના સિક્કા અને જૂની ચલણી નોટ ખરીદવાની લાલચ આપવાના નકલી ધોળકિયાનો ‘ખાસ-ખબરે’ પર્દાફાશ કર્યો હતો. આ બાદ દાનવીર ગોવિંદભાઈ ધોળકિયાએ ‘ખાસ-ખબર’નો આભાર માન્યો હતો તેમજ ‘ખાસ-ખબરે’ ફ્રોડનો પર્દાફાશ કર્યા બાદ સુરત પોલીસ અને સાયબરની ટીમ દ્વારા આ નકલી ફ્રોડમેનને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.