હર્ષ સંઘવીની ઇન્સ્ટાગ્રામ પર અપીલ, ફેક આઇડી પરથી મેસેજ કે રીક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો
ગત અઠવાડિયે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સોશિયલ મારફતે સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે. ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનવાના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવી જ ઘટના હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બની છે. તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ બન્યું હોય તેમ તેમણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકીને ફેક આઈડી પરથી રીક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે.
- Advertisement -
મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રીએટ કરીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે.
આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલા નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું. જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રીક્વેસ્ટ મળે છે, તો તેની સાથે જોડાશો નહીં અને યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો.