B ડિવિઝન અને LCBએ રાતોરાત સગીર સહિત ચારને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું
ભગવતીપરામાં યુવકને છરી ઝીંકી આંતરડા કાઢી નાખી, યાર્ડ પાસે પાણીપુરીના ધંધાર્થી અને અન્ય એક યુવકને લૂંટી લીધા, પકડવા ગયેલાં શખ્સને પણ છરીના ઘા ઝીંકી દીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
શહેરમાં રવિવારે રાત્રે કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડાડતી ઘટના બની હતી ભગવતીપરામાં ફાકી ખવડાવવાની ના પાડતા યુવક પર છરી વડે હુમલો કરી ગ્રીનલેન્ડ ચોકડી તરફ નાસી છૂટેલ ટોળકીએ જૂના યાર્ડ પાસે પાણીપૂરીનો ધંધો કરતા યુવકને ગળે છરી રાખી રોકડા 1500 અને મોબાઇલની તેમજ અન્ય એક રાહદારીને આંતરી 10 હજાર અને મોબાઈલની લૂંટ ચલાવી હતી તેમજ ટોળકીને પકડવાનો પ્રયાસ કરનાર યુવકને પણ છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ હતી બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે હત્યાની કોશિશ અને લૂંટ સહિતના બે અલગ અલગ ગુના નોંધી સગીર સહિત ટોળકીના ચાર શખ્સોને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી છે.
રાજકોટના ભગવતીપરામાં રેલવે ફાટક પાસે રહેતો હાર્દિક નટુભાઇ ચૌહાણ ઉ.24 રવિવારે રાત્રીના ઘર પાસે પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ફાકી ખવડાવવાનું કહેતા તેને ના પાડતા ઝઘડો કરી છરીના ઘા ઝીંકી ખૂની હુમલો કરી નાસી ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા બી-ડિવિઝન પીઆઇ એસ.એસ. રાણે સહિતે તપાસ કરતાં હાર્દિક ત્રણ ભાઇમાં નાનો હોવાનું અને પરાબજારમાં પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરીકામ કરતો હોય પોલીસે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી દરમિયાન મૂળ યુપીનો વતની અને હાલ માલધારી સોસાયટીમાં રહી પાણીપૂરીનો ધંધો કરતો દીપક અમરસીંગ નિસાદ ઉ.24 રવિવારે રાત્રીના પાણીપૂરીની લારી લઇને ઘરે આવતો હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ તેને આંતરી પાણીપૂરી ખવડાવ જેથી તેણે પાણીપૂરી ખાલી થઈ ગઈ હોવાનું જણાવતા એક શખ્સે ગળાના ભાગે છરી રાખી તારી પાસે જે પૈસા હોય તે આપ કહી ધંધાના 1500 રોકડા અને મોબાઈલ લૂંટી લીધા હતા આગળ જતાં ચારેય શખ્સોએ માલધારી સોસાયટીમાં રહેતા હિતેશભાઇ પ્રભાતભાઇ ડાંગરને રાજકોટ-ગોંડલ રોડ પર હાઇવે પર આંતરી છરી બતાવી તેની પાસેથી રોકડ 10 હજાર રૂપિયા અને મોબાઈલ લૂંટી લીધા હતા જેથી હિતેશભાઇએ દેકારો કરતા કેટલાક યુવકો તેને પકડવા પાછળ દોડ્યા હતા જેમાં જય અમિતભાઇ ખોયાણીએ એક આરોપીને દબોચી લેતા તેને પણ છરીના ઘા ઝીંકી દેતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ચાર ચાર સ્થળોએ છરીના ઘા ઝીકિ લૂંટ કરી નાસી છૂટેલી ટોળકીને પકડવા એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમ પણ મેદાનમાં ઉતરી હતી અને ભગવતીપરામાં રહેતો સની ઉર્ફે ચડિયો કલુભાઇ ઉધરેજિયા, સાગર શામજીભાઇ ઉધરેજિયા, સગીર અને શિવરાજ વિનુભાઈ ઉધરેજિયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.



