ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં લાયસન્સ વગર ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર શખ્સો સામે પોલીસે લાલ આંખ કરીને ધોસ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદના આધારે 8 વ્યાજખોર શખ્સોની ધરપકડ કરીને અન્ય વ્યાંજકવાદીઓને સમજી જવા ઈશારો કર્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ ફરિયાદના આધારે વ્યાજખોર શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે જેમાં લેથકામનો ધંધો કરતા ફરીયાદી પ્રદીપ કેશવજીભાઇ પરમારને ઉંચા વ્યાજે રૂપીયા આપી ચેકો પડાવી લેનાર શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા (રહે. પંચાસર), ભાવેશ હરેશભાઇ ચાવડા (રહે. શકત શનાળા, તાતની વાડી), દર્શન જેઠાભાઇ પરમાર (રહે. ગોકુલનગર શેરી નં.4, શનાળા) અને મયુર નરસંગભાઈ વીરડા (રહે. સોનગઢ, તા. માળીયા) ની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત ફરીયાદી મણીબેન ચંદુભાઇ લધારામભાઈ લાલવાણી અને તેના દિકરા ભાવેશ ચંદુભાઇ લાલવાણીને ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરતા મહેશ ચેતનદાસ અમલાણી (રહે. મોરબી, શકિત પ્લોટ, શ્રધ્ધા એપાર્ટમેન્ટ), સલીમભાઇ દિનમહંમદભાઇ બગથરીયા (રહે. મોરબી, કાયાજી પ્લોટ) અને કમલેશભાઈ વસંતભાઇ પોપટ (રહે. મોરબી, કંડલા બાયપાસ, અંજલી એપાર્ટમેન્ટ) ને પોલીસે પકડી પાડ્યા છે. આ સાથે ત્રીજા ફરીયાદી મહાવીરભાઈ નરેન્દ્રકુમાર વૈષ્ણવને ઉંચા વ્યાજે રૂપીયા આપી ચેકો તેમજ નોટરી લખાણ કરાવી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘારાણી કરતા જયરાજ જીવણભાઇ સવસેટા (રહે. દેવગઢ, તા. માળીયા) ને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મોરબીવાસીઓને કોઇપણ વ્યાજખોરનો ત્રાસ હોય અને હેરાનગતી કરતા હોય તો તેઓએ કોઈપણ સમયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રજુઆત કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.