ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના ગાંધી ચોકમાં આવેલ ઈમારત ખૂબ લાંબા સમયથી જર્જરિત અવસ્થામાં હતી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસમાં આ ઈમારત જોખમી હોવાનું સામે આવતા તુરંત આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને શનિવારે મોડી રાત્રે ઈમારતનો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને આ ઈમારતનો જોખમી ભાગ દૂર કર્યો હતો.
મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા ગાંધી ચોક વિસ્તારમાં રિલાયન્સ શોપિંગ સેન્ટર નામનું વર્ષો જૂનું બિલ્ડીંગ આવેલ છે. આ બિલ્ડીંગ એટલી હદે જર્જરિત થઈ ગયું હતું કે ગમે ત્યારે પતાના મહેલની જેમ તૂટી પડે તેમ હતું. આ શોપિંગ કોમ્પ્લેક્ષનો જર્જરિત ભાગ દૂર કરવા ભાડુઆત દ્વારા તત્કાલીન ચીફ ઓફિસરથી લઈ કલેક્ટર અને ગાંધીનગરમાં વિવિધ વિભાગ તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા અને નગરપાલિકા માત્ર નોટીસ આપી સંતોષ માની લેતી હોવાનો ભાડુઆત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા દ્વારા દુકાનદારો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને જીવના જોખમને ધ્યાને લઈ તાત્કાલિક જર્જરિત ભાગ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી અને શનિવારે મોડી રાત્રે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પાલિકાની ટીમ દ્વારા ગુજરાત મ્યુનિસિપલ એકટ 182 અંતર્ગત જર્જરિત ભાગ દૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચીફ ઓફિસર દ્વારા શહેરમાં આવા જેટલા પણ જોખમી બાંધકામ હશે તેનો પણ વહેલી તકે સર્વે કરાવી દૂર કરવાની પણ ખાતરી આપી હતી.