દ્વારકાધીશને ધ્વજાજી અર્પણ કરાતાં આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાની અરજી કરી!
ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. જીતેન્દ્ર અમલાણી, શ્યામલભાઈ સોનપાલ, તખુભા રાઠોડ, હિરેનભાઈ થાનકી, જયુભા ચાવડા, પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી માઈ મંદિરને બદનામ કરવાનું ષડ્યંત્ર કેટલાક હિંદુ ધર્મ વિરોધી તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચાડનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નોંધવવી જરૂરી બની ગઈ છે.
બનાવની વિગત અનુસાર શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં છેલ્લા 85 વર્ષથી લાખો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા શ્રી માઈ મંદિરમાં હાલ અમૃત મહોત્સવના ભાગરૂપે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનની ઉજવણી ચાલી રહી છે. અહીં અનેક સંસ્થાઓ અને મહાનુભાવો સહિત સેંકડો લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજાજી અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ શુભ પ્રસંગે અમુક આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે શહેર પોલીસ કમિશનરને એક લેખિત અરજી કરી છે. શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી હેરાનગતિ થતી હોવાંની ખોટી અરજી પોલીસ કમિશનરમાં થતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે.
શ્રી માઈ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવતાં તેમજ આ મંદિરની આસપાસના વિસ્તારના રહેવાસીઓ તથા ધંધાર્થીઓએ આ સમગ્ર મામલે શહેર કમિશનરને લેખિત અરજી કરી છે ઉપરાંત રૂબરૂ મુલાકાત કરીને સત્ય હકીકત જણાવી શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી કોઈને પણ હેરાનગતિ થવાની વાત ખોટી હોય, આ માત્રને માત્ર મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની વાતથી વાકેફ કરી ખોટી અરજી કરનારા જવાબદાર લોકો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા આ રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં એવી માગણી કરવામાં આવેલ છે કે તકવાદીઓ અને સનાતન હિંદુ ધર્મનાં વિરોધીઓ દ્વારા શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો નિષ્ફળ પણ દુષ્ટ કૃત્ય કરીને અનેક શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ખોટી અરજી આપનાર લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધાવો જોઈએ. તદુપરાંત આવા તત્ત્વો ઉશ્કેરાઈને હાલમાં ચાલી રહેલ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુ-ભક્તો ઉપર કાયદો હાથમાં લઈ હુમલો કરશે, કરાવશે જેથી ચાલી રહેલ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને રક્ષણ મળી રહે તે માટે પોલીસ પ્રોટેકશનની પણ અરજીમાં માગણી કરવામાં આવેલી છે.
શ્રી માઈ મંદિરની તદ્દન નજીક આવેલી ગોકુલ હોસ્પિટલના જાણીતા ન્યુરો સર્જન ડો. પ્રકાશભાઈ મોઢા, જાણીતા યુરોલોજિસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, જાણીતા ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, ભક્તિનગર સોસાયટીના તખુભા રાઠોડ, ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના અગ્રણી ગાયત્રી મેડિકલવાળા હિરેનભાઈ થાનકી, મનહર પ્લોટના અગ્રણી જયુભા ચાવડા, ‘ખાસ-ખબર’ સાંધ્ય અખબારના પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને શ્રી માઈ મંદિર પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધા દર્શાવી હતી તેમજ મંદિર સંચાલકોને હંમેશા સંપૂર્ણ સહકારની ખાત્રી આપી છે.