2007થી સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી: બાપુના હસ્તાક્ષર પણ લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં ફિલ્મ અભિનેતા-અભિનેત્રી, રાષ્ટ્રીય નેતાઓ, સંતોનો એક અલગ જ ચાહક વર્ગ છે. જે સામાન્ય વ્યક્તિ કરતાં કંઈક અલગ તરી આવતા હોય છે. રાજકોટમાં પણ એક આવા જ ચાહક છે જેણે મેગેઝીન, ફોટો, લેખ, પૂર્તિ વગેરેનો અનોખો સંગ્રહ કર્યો છે, તે વ્યક્તિ છે કાન્તીભાઈ વાડોલીયા. કાન્તીભાઈએ કથાકાર પૂ. મોરારિબાપુ વિશેના લેખ, તેમના ફોટો, પૂર્તિ, મેગેઝીન વગેરેનો સંગ્રહ કર્યો છે અને તેમના પર મોરારિબાપુના હસ્તાક્ષર પણ લીધા છે. શહેરના શ્રમિક અને મેટોડા જીઆઈડીસીમાં કામ કરતાં કાન્તીભાઈ વાડોલીયાને પુસ્તકો, મેગેઝીનનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2007માં મોરારિબાપુ જ્યારે રાષ્ટ્રીય શાળામાં આવ્યા હતા ત્યારથી તેમના ફોટો, તેમના વિશેના લેખો, મેગેઝીન વગેરેનો સંગ્રહ કરું છું. હાલમાં કાન્તીભાઈ પાસે મોરારિબાપુના ફોટો લેખ સહિતનો 200 પુસ્તકો, ફોટા વગેરેનો સંગ્રહ છે. તેમણે કહ્યું હતું કે હજુ સુધી બાપુને મળી એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો નથી. ક્યારેય એમની સાથે વાત કરી નથી પરંતુ મોરારિબાપુએ આ સંગ્રહ પર ઓટોગ્રાફ (હસ્તાક્ષર) આપ્યા છે. રાજકોટ નજીક જ્યારે પણ મોરારિબાપુની કથા હોય તો નોકરીમાંથી 2-3 કલાકની રજા લઈને કથામાં પહોંચી જાઉં છું. ગોંડલ અને વીરપુરમાં મોરારિબાપુની કથા શ્રવણ કરી હતી. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ વાર તેઓ તલગાજરડા હનુમંત એવોર્ડમાં પણ ગયા છે.