આરોપીની પત્ની, પુત્ર અને પુત્રવધુએ પોલીસ કોન્સ્ટેબલ સાથે કરી ઝપાઝપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદરના વિરડીપ્લોટમાં આવેલા વણકરવાસ વિસ્તારમાં દારૂના ધંધાર્થીને પોલીસ સરકારી વાહનમાં ધરપકડ કરીને લઈ જતી હતી,ત્યારે તે આરોપીની પત્ની,પુત્ર અને પુત્રવધુએ આ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે.પોરબંદરના કિર્તિમંદિર પોલીસની સર્વેલન્સ સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કિશોર માલદેભાઈ શિંગરખીયા નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે કે, તેઓ તથા પોલીસ કોન્સ્ટેબલ જય રમેશભાઈ,હોથી અરજણભાઈ વગેરે વિડીપ્લોટના વણકરવાસમાં ટાંકણી પુલ પાસે પહોંચ્યા ત્યારે એવી બાતમી મળી હતી કે,કરશન ઉગા સાદીયા નામનો ઈસમ પોતાના મકાનમાં દેશીદારૂનું વેચાણ કરી રહ્યો છે,આથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈને દરોડો પાડતા કરશન ઉગા સાદીયા એ તેના રૂમમાં દારૂ ભરેલું પ્લાસ્ટિકનું બાચકું રાખ્યું હતુ,જેમાંથી 35 જેટલી કોથળી દારૂની મળી આવી હતી,700 રૂપિયાનો આ દારૂ પોલીસે કબ્જે કરી લીધો હતો અને ત્યારબાદ આ કરશન ઉગા સાદીયાની વિધિવત રીતે ધરપકડ કરીને સરકારી વાહનમાં બેસાડવામાં આવતો હતો.
- Advertisement -
ત્યારે કરશનના પત્ની નિમુબેન, પુત્ર ધવલ અને ધવલની પત્ની આશિયાના એમ ત્રણેય જણા દોડીને ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ કિશોર શીંગરખીયા પાસે આવી પહોંચ્યા હતા એ દરમિયાન આરોપી કરશન ઉગા સાદીયા પણ મોટા અવાજે બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને આરોપી કરશનને છોડાવી લઈ જવાની કોશિશ કરી હતી,આથી પોલીસે તેની સામે કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધ્યો હતો,તે ઉપરાંત કરશન ઉગા સાદીયા સામે પ્રોહીબિશનની અલગથી ફરીયાદ કરી હતી અને તેની સામે બે ગુન્હા નોંધ્યા હતા.