ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.10
વેરાવળમાં ફાયર સેફ્ટી અંગેનું સક્ષમ અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વગર જીમ ચલાવી રહેલ હોય તેથી જીમ સંચાલક સામે જાહેરનામાનો ભંગ અંગેનો ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જાહેર તથા ખાનગી જગ્યાઓ કે જ્યા બહોળા પ્રમાણમા લોકો એકઠાં થતાં હોય તેવી જગ્યાઓ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં અવેલ ફાયર સેફ્ટીના પમાણપત્ર તથા ફાયર સેફ્ટી લે-આઉટ પ્લાન તથા ફાયર સેફ્ટી વગેરે બાબતનું સાઇન બોર્ડે લોકો સહેલાઇથી જોઇ શકે તે રીતે રાખવા અંગેનું અધિક જિલ્લા મેજી. ગીર-સોમનાથ દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. નીલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, વેરાવળ ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા આ જાહેરનામાનો અમલ કરાવી લોકોની સલામતી તથા સુખાકારીની વ્યવસ્થા જળવાય રહે તે અંગે સુચના આપી હતી. જેને લઈ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન લાબેલા રોડ પર ફીટ એન ફાઇન હેલ્થ કલબ નામના જીમ ખાતે ચેકીંગ કરતા ફાયર સેફ્ટી અંગેનું સક્ષમ અધિકારી પાસેથી પ્રમાણપત્ર ન મેળવી અને જાહેરનામા મુજબ સાઇન બોર્ડ ન લગાવી જાહેરનામાનો ભંગ કરતા જીમ સંચાલક બીલાલ મહમદ હાલાઇ રહે.તીલકમીલની પાછળ સંજરી પાકે સોસાયટી વેરાવળ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.