ડ્રાઈવિંગ ટેસ્ટમાં થતી ગેરરીતિ અટકાવવા નવા નિયમો લાગુ કરાશે
ડ્રાઈવિંગ સ્કૂલોના વાહન મોડિફાય કરેલા હોવાથી લોકો સરળતાથી પાસ થઈ જાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડ્રાઈવિંગ થતી ગેરરીતિ અટકાવવા માટે કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ કચેરી હવે નવા નિયમો બનાવશે. એક રજિસ્ટ્રેશન નંબરવાળી કારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે પાંચથી વધુ વખત ઉપયોગ નહીં કરી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ મોટર ડ્રાઈવિંગ સ્કૂલના કેટલાક વાહનો મોડિફાય કરેલા હોવાથી લોકોને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં સરળતા રહે છે.
જે અટકાવવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીએ નવા નિયમો બનાવવાનું નક્કી કર્યું છે જેથી ગેરરીતિ કરતા વાહનોને અટકાવી શકાશે. હાલમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એક વાહન અંગે કોઈ ચોક્કસ નિયમ ન હોવાથી એક જ વાહનોનો વારંવાર ઉપયોગ થાય છે. પાકા લાઈસન્સ માટેના ટેસ્ટમાં કારમાં હાલ 60 ટકા અને ટુવ્હીલરમાં 90 ટકા અરજદાર પ્રથમ ટ્રાયલમાં જ પાસ થાય છે.
કમિશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીના અધિકારીના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમા નવા નિયમો બનાવ્યા બાદ ગેરરીતિ કરતા લોકોને અટકાવી શકાશે. હાલમાં લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે મોટર ડ્રાઈવિંગ સ્કૂલની કારનો ઉપયોગ કરીને પાસ થનારાની સંખ્યા વધી રહી છે. મોડીફાય કરેલ કારમાં ક્લચ અને એક્સીલેટરમાં મિકેનિકલ પરિવર્તન કરવામાં આવે છે. હાલમાં તમામ કાર ઈન્સ્પેક્ટર દ્વારા ચેક કરવામાં આવતી નથી જેથી મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં ચાલતા વાહનોનો ઉપયોગ અરજદારો વધારે કરતા હોય છે. ગેરરીતિ અટકાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નવા નિયમો બનાવવાથી ગેરરીતિ કરનારાની સંખ્યા દિવસે-દિવસે ઘટી રહી છે.



