ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં શનિવારે માવઠું પડ્યું હતું પણ તેને કારણે રવિવારે ઠંડા પવનોને કારણે માર્ચ માસમાં જાન્યુઆરી મહિના જેવી ઠંડી અનુભવાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલું ઓછું નોંધાયું છે. શનિવારે પણ મહત્તમ તાપમાન તે જ સ્તરે રહ્યું હતું જોકે શનિવારે ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું અને બપોરે માવઠું પડતા ઠંડા પવનો શરૂૂ થયા હતા. રવિવારે સવારે આ પવનો વધુ તીવ્ર બન્યા હતા તેથી રવિવારે ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને માત્ર 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આખો દિવસ સરેરાશ 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો આ કારણે તાપમાન નીચું જ રહ્યું હતું અને પારો 29 ડિગ્રીએ પણ પહોંચી ન શક્યો અને સાંજ પડતાં જ ફરી ઠંડા પવનોને કારણે તાપમાન ઘટવા લાગ્યું હતું અને 16 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
- Advertisement -
સોમવારે પણ ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી નજીક જ રહે તેવી શક્યતા છે જોકે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી જશે. ગુરુવાર સુધી ઠંડક રહેશે અને ત્યારબાદ તાપમાન ફરી સામાન્ય બનશે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં માવઠા બાદ અચાનક ઠંડક વધતા તેમજ પવનો શરૂૂ થતા તેની ઘણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટમાં ઠંડીનો માહોલ ન હોવાથી લોકોએ ગરમ કપડાં પહેરવાનું બંધ કરી દીધું પણ માવઠા બાદ એકદમથી ઠંડી પડતા શરદી-ઉધરસ અને માથાના દુખાવાની સમસ્યા વધી છે.
તબીબોએ જણાવ્યું હતું કે, આવા સમયે વાઇરલ રોગચાળો તેમજ અચાનક તાપમાનમાં તફાવતને કારણે શરદી-ઉધરસ જેવા રોગ થાય છે. ખાસ કરીને હાલ લગ્ન સિઝન હોવાથી મીઠાઇ ખૂબ ખવાતી હોય છે તેવામાં તાપમાનનો પારો નીચે પડતા ગળામાં બળતરાની સમસ્યા થવા લાગે છે. આ કારણે હાલ પૂરતા લોકોએ બહારનું અને ખાસ કરીને મીઠાઈ આરોગવાનું બંધ કરવું જોઈએ.