બિહારના પટણાનો પરિવાર પાંચ વર્ષથી શાપરમાં સ્થાયી થયો હતો
બે ભાઈઓમાં નાના દીકરાના મોતથી શ્રમિક દંપતી શોકમાં ગરકાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે અચાનક આવી ચડેલા શ્વાનના ટોળાંએ તેને ફાડી ખાતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વતન જવા નીકળેલા પિતા અમદાવાદથી પરત ફર્યા હતા. આજે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી શાપર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મૂળ બિહારના પટના ગામના વતની અને છેલ્લા પાંચ વર્ષથી શાપર ગેટની અંદર આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા અજીતકુમાર યાદવનો 7 વર્ષીય પુત્ર આયુષ ગઈકાલે(30 મે) સાંજે ઘર પાસે રમતો હતો. તે દરમિયાન આવી ચડેલા પાંચથી વધુ શ્વાનના ટોળાંએ બાળક ઉપર હુમલો કરી આખા શરીરે બચકા ભરી લીધા હતા.
માથાના વાળથી લઈ પગના નખ સુધીનું શરીર ફાડી ખાતા બાળક લોહીલુહાણ થઇ ગયો હતો. બાળકની ચીસો સાંભળી દોડી આવેલ પરિવારજનોએ આયુષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો, પરંતુ અહીં સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો. મૃતક આયુષ બે ભાઈમાં નાનો હતો અને તેના અકાળે મોતથી શ્રમિક પરિવારમાં ભારે શોક છવાઈ જવા પામ્યો છે.
શ્ર્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવા માગ
આ ઘટનાએ ફરી એકવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોના વધતા જતા ત્રાસ અને તેના નિરાકરણ માટે તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં શ્રમિકો મોટી સંખ્યામાં રહે છે અને તેમના બાળકો બહાર રમતા હોય છે, ત્યાં આવા હુમલાઓનું જોખમ વધુ હોય છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે તે હવે જરૂરી બન્યુ છે.